રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી જૈન સંઘોમાં તપ, ત્યાગ, ધર્મ આરાધના સાથે ઉજવાતું પર્યુષણ પર્વ
આવતીકાલે પૂ. ગુરૂ ભગવંતો વ્યાખ્યાનમાં બારસા સુત્રનું વાચન કરશે, જે કલ્પસૂત્રના આઠ વ્યાખ્યાનનો સાર છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે સાતમો દિવસ છે. ગઇકાલે રવિવારેના કલ્પસુત્રના ગ્રંથ અંતર્ગત પ્રભુવીરનું જન્મવાચન, ત્યારબાદ પ6 દિકકુમારીકાઓ જન્મોત્સવ ઉજવે છે અને 64 ઇન્દ્રો મેરૂશિખર પર અસંખ્ય દેવો સાથે જન્મોત્સવ ઉજવે છે તથા માતા પિતાએ વર્ધમાન નામ પાડયું. તપ આદિ શકિત હોવાથી બીજુ નામ શ્રમણ પડયું તથા દેવોને પરાજિત કરતાં ત્રીજું નામ મહાવીર પડયું. પ્રભુ વૈરાગી હોવા છતાં માતા-પિતાના આગ્રહથી યશોદ સાથે લગ્ન કર્યા. પ્રભુ 28 વર્ષના થયા ત્યારે માતા-પિતાનો સ્વર્ગવાસ થયો.
નંદિવર્ધન ભાઇના આગ્રહથી બીજા બે વર્ષ રહ્યા પ્રભુએ વરસીદાન આપ્યું અને ચારિત્ર અંગીકાર કર્યુ. દીક્ષા બાદ પ્રભુએ વિહાર કર્યો. સાડા બાર વર્ષ સુધી પ્રભુએ અનેક ઉપસર્ગો સહન કર્યા કટપૂતનાનો ઉપસર્ગ, શૂલપાણિ યક્ષનો ઉપસર્ગ, સંગમ દેવનો ભયાનક ઉપસર્ગ સહન કર્યો. ઋજુવાલિકા નદીને કિનારે કેળવજ્ઞાન પ્રાપ્ત કર્યુ. પ્રભુએ ધર્મદેશના આપી, પ્રથમ દેશના નિષ્ફળ ગઇ. ત્યારબાદ પ્રભુ પાવાપુરી પધાર્યા ઇન્દ્રભૂતિ ગૌતમ પ00 શિષ્યો સાથે આવ્યા. પ્રભુના પ્રથમ શિષ્ય ગણધર બન્યા. પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.
અંતિમ ચોમાસુ પાવાપુરીમાં કર્યુ. પ્રભુ આસો વદ 30ની રાત્રીએ નિર્વાણ પામ્યા આ વર્ણન કલ્પસૂત્રના વાંચન દરમ્યાન કરવામાં આવેલ હતું. આજે પર્યુષણના સાતમા દિવસે ગુરૂ ભગવંતોએ કલ્પસૂત્રના સાતમા અને આઠમા વ્યાખ્યાનમાં ભગવાન પાશ્ર્ચર્વનાથ, નેમિનાથ અને ઋષભદેવ ચરિત્ર, ર1 તીર્થંકરોના આંતરા અને જંબુસ્વામી આદિ મહાપુરૂષોના ચરિત્ર પર પ્રવચન કર્યુ. પ્રભુ વીરની પાટપરંપરાનું વર્ણન કરાયું જેમાં જંબુસ્વામી, ભદ્રબાહુ સ્વામ, સ્થૂલભદ્ર સ્વામી, આચાર્ય સુહસ્તિસૂરી, વજ્રસ્વામી વગેરેનું વર્ણન કરાયું હતું.
આજનું પ્રતિક્રમણ ત્રીજ હોવાથી માંગલિક પ્રતિક્રમણ કરવાનું રહેશે. આવતીકાલે સંવત્સરી મહાપર્વ અર્થાત પર્વાધિરાજ પર્યુષણનો આઠમો અને અંતિમ દિવસ છે. આવતીકાલનો દિવસ વેરના બીજને દુર કરવાનો અમૂલ્ય અવસર છે.
આવતીકાલે સવારે ગુરૂ ભગવંતો વ્યાખ્યાનમાં બારસા સુત્રનું વાચન કરે છે. આ બારસા સુત્ર અર્ધમાગધી ભાષામાં છે. તે કલ્પસૂત્રના આઠ વ્યાખ્યાનનો સાર છે. આવતીકાલનો દિવસ ક્ષમાના અમૃત ઘટનો દિવસ છે. કાલે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા દરેક જીવને ખમાવી લેવા,
એક પણ વ્યકિત સાથે મતભેદ રહી જાય તો સાધના સફળ થતી નથી. આવતીકાલે તમામ ઉપાશ્રયોમાં લગભગ બપોરે 3 વાગે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરવામાં આવશે. લગભગ 3 કલાકની આ વિધિ હોય છે. તમામ જૈનો પુરા ઉલ્લાસથી આ વિધિ કરે છે.
84 લાખ જીવયોનિ પ્રત્યે મિત્રતા નિર્માણ કરવી, સંવત્સરી મહાપર્વના દિવસે ‘મિચ્છામિ દુકકડમ’ માગી સાચું ભાવ પ્રતિક્રમણ કરી ક્ષમાપર્વની આરાધના કરવાની હોય છે. તેમ યુનિ. રોડ જૈન સંઘના ટ્રસ્ટી હિમાંશુ દેસાઇએ જણાવેલ છે.
કાલે પ્રત્યેક જૈનોના ઘરે નાનું-મોટું તપ થશે
પર્વાધિરાજ પર્યુષણના આઠેય દિવસોમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના ઉલ્લાસપૂર્વક થતી હોય છે. સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે જૈનો પોતાના હાથે થયેલા દોષ અંગે ક્ષમા માંગે છે અને અન્ય કોઇના હાથે થયેલા દોષને ક્ષમા આપે છે. આ ક્રિયામાં માત્ર માનવ જાતને નજર સામે રાખવાની નથી પરંતુ સમગ્ર પ્રાણી સૃષ્ટિને આંખ સામે રાખવાની હોય છે.