વિરપુરમાં ભક્તિની દિવાળી
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે આજે જ જાણે બીજી દિવાળી જેવી ઉજવણી જોવા મળી રહી છે. ‘જય જલારામ’ અને ‘જય શ્રી રામ’ના નાદ સાથે હજારો પદયાત્રિકો વિરપુર પહોંચી ગયા છે. શહેરના દરેક ખૂણે ભક્તિનો માહોલ છવાયો છે.
આવતીકાલે બુધવારે વહેલી સવારે જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા અને પરિવારજનો દ્વારા પૂજ્ય બાપાની સમાધિનું પૂજન કરાશે. ત્યારબાદ આરતી અને પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાશે. સવારે 9 વાગ્યે મીણળવાવ ચોકથી ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં 226 કિલો બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે.
વિરપુરના મુખ્ય માર્ગો પર પૂજ્ય જલારામ બાપાના જીવન દર્શાવતાં ફલોટ્સ તૈયાર કરાયા છે, ઘેરઘેર રંગોળીઓથી સજાવટ કરવામાં આવી છે અને દરેક ખૂણે માનવ સેવાના કેન્દ્રો તથા વિનામૂલ્યે છાશ, નાસ્તા અને ઠંડા પીણાંના સ્ટોલો ઉભા કરવામાં આવ્યા છે.
ગત 16 વર્ષથી સતત સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતાં પદયાત્રિકો ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી અને મુંબઈ સહિત ઉત્તર ગુજરાતથી પણ હજારો ભક્તો વિરપુરમાં આવી પહોંચ્યા છે.
- Advertisement -
મંગળવારે રાત્રે 12 વાગ્યે ચામુંડા ચોક ખાતે ભવ્ય કેક કાપી પૂજ્ય જલાબાપાની આરતી કરવામાં આવશે. સુરક્ષા દ્રષ્ટિએ પીઆઇ એસ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ 160થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. વીરપુર હાલ ભક્તિ, સેવા અને આનંદના સંગમથી ઝગમગી રહ્યું છે. લાખો ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવવા વિરપુરમાં ઉમટી રહ્યા છે.



