ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ની જોગવાઈ મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે જોગવાઈ છે. નવા શૈક્ષણિક સત્ર માટે આ જોગવાઈ અંતર્ગત અરજીઓ માગવામાં આવી હતી. રાજ્યની ખાનગી શાળાઓમાં જુદા જુદા માધ્યમમાં કુલ 93,860 જગ્યા ઉપલબ્ધ છે. આ 93,860 માંથી 7,586 જગ્યા માટે કોઈ વિદ્યાર્થી કે વાલી એ માગણી ન કરતા પ્રથમ રાઉન્ડ યોજાય તે પહેલા જ આ જગ્યાઓ ખાલી પડી છે.
તારીખ 28 એપ્રિલના રોજ પ્રથમ રાઉન્ડમાં 86,274 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા બાદ તમામને એસએમએસ થી જાણ કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે પાત્ર છે તેમણે તારીખ 8 સુધીમાં જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લેવા માટે અગાઉ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના મુજબ પ્રવેશ ક્ધફર્મ નહીં કરાવનાર વિદ્યાર્થીની બેઠક ખાલી ગણવામાં આવશે અને આગામી દિવસોમાં યોજાનારા બીજા રાઉન્ડમાં આવી ખાલી સીટ આવરી લઈ એડમિશન માટે કાર્યવાહી કરવામાં આવશે.
નવા શૈક્ષણિક સત્ર માટે કુલ 2,38,916 અરજીઓ આવી હતી. ઓનલાઇન મળેલી આ અરજીઓ માંથી 1,75,685 અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. અધૂરા દસ્તાવેજો જેવા જુદા જુદા કારણો હેઠળ 13,761 અરજીઓ અમાન્ય જાહેર કરવામાં આવી હતી. જયારે 49,470 વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતે કરેલી અરજી રદ કરી હતી.