ટામેટાંના આસમાને પહોંચતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઇ છે. મોંઘા ભાવના ટામેટાં ખરીદવાનું ન પોસાતા ગૃહિણીઓએ તેનો વપરાશ ઘટાડી દીધો છે અથવા તો સદંતર બંધ કરી દીધો છે.
દેશમાં ટામેટાં એટલા ‘લાલ’ થઈ ગયા છે કે લોકો મોંઘવારીના આંસુ રડી રહ્યા છે અને તેના વધતા ભાવને કારણે લોકોના રસોડામાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. ચોમાસું શરું થતાં જ ટામેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે. અત્યારે ટામેટાંના ભાવ 160થી 200 રૂપિયા પ્રતિકિલો થયા છે. ટામેટાં સહિત અન્ય તમામ શાકભાજીમાં હજુ પણ ભાવ વધારાની શક્યતા સેવાઈ રહી છે. શાકભાજીના ભાવ વધતાં સામાન્ય અને ગરીબ વર્ગ પરેશાન થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અન્ય રાજ્યોમાં પડેલા ભારે વરસાદના કારણે ટામેટાં સહિત અન્ય શાકભાજીઓના ભાવમાં વધારો થયો છે.
- Advertisement -
ભાવ વધતા ગૃહિણીઓમાં ચિંતા
દરેક વાનગીમાં વપરાતા ટામેટાંના ભાવમાં તોતિંગ વધારો થતાં ગૃહિણીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે બજારમાં 20થી 30 રુપિયા પ્રતિ કિલો મળતા ટામેટાંના ભાવ અત્યારે 160થી 200 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યા છે. ટામેટાંમાં ભાવ વધારાના કારણે ગૃહિણીઓ ટામેટાં વગરનું શાક બનાવવા મજબૂર બની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટામેટાંના ભાવ હજુ વધી શકે છે. આ સાથે અન્ય કેટલાક શાકભાજીના ભાવમાં પણ વધારો થવાની આશંકા છે.
હોલસેલ માર્કેટમાં ટામેટાંના ભાવમાં ધરખમ વધારો
હોલસેલ માર્કેટમાં એક અઠવાડિયામાં જ ટામેટાંના ભાવ ધરખમ વધી ગયા છે. થોડા સમય પહેલા જમાલમપુર માર્કેટમાં ટામેટાંના ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલોએ ચાલતા હતા. જે એક અઠવાડિયા પહેલા વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. હાલ આ ભાવમાં તોતિંગ વધારો થયો છે ટામેટાંના ભાવ અત્યારે વધીને 160થી 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. શાકભાજીના ભાવ વધતા સામાન્ય અને ગરીબ વર્ગ પરેશાન બન્યો છે.
આપને જણાવી દઈએ કે, ટામેટાંના ભાવમાં વધારો થતાં તસ્કરો હવે કિંમતી વસ્તુઓ છોડીને ટામેટાંની ચોરી કરી રહ્યા છે. આજે જ સુરતમાં ટામેટાંની ચોરીનો બનાવ બન્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કાપોદ્રા શાકભાજી માર્કેટમાં ટામેટાંના વેપારી રાત્રીના સમયે તમામ સામાન મુકીને ઘરે ગયા હતા. જે બાદ વહેલી સવારે શાકભાજી વેચવા માટે માર્કેટમાં આવ્યા ત્યારે ટામેટાંની બોરીઓ ગાયબ હતી. જે બાદ તેમણે સીસીટીવી ચેક કરતા એક અજાણ્યો યુવક ટામેટાંની ત્રણ બોરીઓ લઈ જતો નજરે પડ્યો હતો. જે બાદ વેપારીએ આ મામલે પોલીસને જાણ કરી હતી. જોકે, હાલ જાણવા મળ્યું છે કે વેપારીએ આ મામલે લેખિતમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી.
- Advertisement -