અસહિષ્ણુતા….અસહિષ્ણુતા…..અસહિષ્ણુતા….. જ્યાં જુઓ ત્યાં અસહિષ્ણુતા
સોશિયલ મીડિયાએ જેમ સારા લોકોને એકઠાં થવાની તક મળી છે તેમ ભૂંડાભૂખ જેવાં લોકોને અડ્ડો બનાવવાનો પણ ચાન્સ આપ્યો છે
- Advertisement -
રંગ છલકે
– કિન્નર આચાર્ય
અત્યારે ગુજરાતમાં રસ્તે રખડતાં ઢોર વિશે ઉગ્ર ચર્ચાઓ ચાલે છે. માર્ગ પર રઝળતાં જીવલેણ ઢોર મુદ્દે ગુજરાત સરકાર એક વિધેયક લાવવાની હતી. છેલ્લી ઘડીએ પશુપાલકોનાં દબાણ સામે સરકાર ઝૂકી ગઈ અને વિધેયક ગાય ખાઈ ગઈ. આ મુદ્દે જાણીતા લેખક-પત્રકારે ટેલીવિઝન ચેનલની ડીબેટમાં કેટલી તાર્કીક, મુદ્દાસર વાતો કરી અને પશુપાલક સમાજ ઉકળી ઉઠ્યો. એક ટોળું તેમની ઑફિસે ધસી ગયું. ‘આવું તમે બોલી જ કેવી રીતે શકો?’ તેમનો ટૉન રજૂઆતનો ન હતો, ધમકીનો હતો. જગદીશ મહેતાએ મુદ્દાસર જવાબો તેમને આપ્યા, તેમની સમક્ષ આયનો ધર્યો અને રવાના કર્યા. ફરી એ જ પ્રશ્ર્ન સપાટી પર આવે છે: શું સમાજમાં અસહિષ્ણુતા વધી રહી છે? હા. વધી રહી છે. બેશક વધી રહી છે. આજથી પંદર વર્ષ પહેલાં આવા અહેવાલો લખાતાં ત્યારે ટોળાંઓ એકત્ર ન થતાં. છુટાછવાયા વિરોધનાં ફોન કોલ્સ આવતાં.
હવે? તમે એક શબ્દ રજવાડાંઓ વિરૂદ્ધ કહી જુઓ. પચ્ચીસ પ્રકારની સેનાઓ રોડ પર ઉતરી આવશે અને મનફાવે તેમ ધમાલ મચાવશે. પર્દા પાછળ રહી રાજકારણ કરવા માટે ખોડલધામનું નિર્માણ કરાવનાર લેઉવા પાટિદાર અગ્રણી વિશે જ્યારે પણ મેં બે સાચી વાત લખી છે- વિરોધ કરવા ધણનાં ધણ ઉમટી પડે છે. હાર્દિક પટેલ જેવા સી ગ્રેડનાં નેતા અંગે બે-ચાર સાચા વાક્યો લખો ત્યાં તેની ટોળકીનાં કેટલાંક તત્ત્વો તમને ગાળો ભાંડવા થનગનવા માંડે છે. તેઓ ચોવીસ કલાક તમારા પર ફોનકોલ્સનો મારો ચલાવે છે. જ્યાં સુધી એ તમને ભૂંડા વેણ ન કહે ત્યાં લગી તેમને અપચો રહે છે. તમારા નેતા ગમ્મે તેનાં વિશે મનફાવે તેવો બફાટ કરે તેનો વાંધો નહીં, અમે સંસદીય ભાષામાં એ નેતા વિશે બે ફકરાં લખીએ તો અમે આતંકવાદી.
- Advertisement -
અસહિષ્ણુતા. અસહિષ્ણુતા, અસહિષ્ણુતા. જ્યાં જુઓ ત્યાં અસહિષ્ણુતા. ધર્મ વિશેની એક સાચી ટિપ્પણી કરવા બદલ એક યુવાનની હત્યાનો પ્લાન બનાવાયો, તેને ઠંડા કરેજે અંજામ પણ અપાયો. ઘટના ગુજરાતની જ છે. પરંતુ માત્ર ગુજરાતમાં આવી સ્થિતિ નથી, આખા ભારતમાં આ પરિસ્થિતિ છે.
બેશક અસહિષ્ણુતા વધી છે. બેશક. સેક્યુલરિસ્ટો અને દોઢ ડાહ્યાંઓ કહે છે કે, નરેન્દ્ર મોદીનાં આગમન પછી દેશમાં અસહિષ્ણુતા વધી છે. ખોટી વાત. અસહિષ્ણુતા વધવાનું મુખ્ય અને એકમાત્ર કારણ છે: સોશિયલ મીડિયા. બન્યું છે એવું કે, અગાઉ તોફાની, કૂથલીખોર, વારંવાર જેમની લાગણી દુભાઈ જાય છે તેવાં કૂણાં-કુમળા લોકો ઝૂંડમાં રહેતાં ન હતાં. સોશિયલ મીડિયાએ જેમ સારા લોકોને એકઠાં થવાની તક મળી છે તેમ ભૂંડાભૂખ જેવાં લોકોને અડ્ડો બનાવવાનો પણ ચાન્સ આપ્યો છે. દરેક જ્ઞાતિદીઠ હજ્જારો વ્હોટ્સએપ્પ ગ્રુપ ચાલે છે. ક્યાંક, કોઈક, કશુંક તેમનાં આરાધ્ય વિશે કે તેમની જ્ઞાતિ અંગે કે જ્ઞાતિજન માટે કહે કે તરત જ જાણે મોબાઈલ નેટવર્કનાં સર્વર ડાઉન થઈ જાય છે. પેલાં ટિપ્પણીખોરને પાડી દેવા માટેનાં મેસેજીસનો જાણે વરસાદ વરસે છે. એકદમ સાંબેલાધાર વરસે છે.
હાસ્ય ક્યાં નથી? એવી એકદમ ચવાયેલી વાત ગુજરાતી હાસ્યકારો દશકોથી કહે છે. આજે આપણે કહેવું પડે, અસહિષ્ણુતા ક્યાં નથી? ફેસબૂક પર કોઈ એક વ્યક્તિ કોઈ નેતાનાં વખાણ લખે તો વિરોધીઓ તૂટી પડે છે. બીજી વ્યક્તિ કોઈ લીડરની ટીકા કરે તો પેલાં નેતાજીનાં સમર્થકો ગાળો ભાંડે છે.
અસહિષ્ણુતા દરેક પક્ષે છે. કોઈ બાકી નથી. ‘અસહિષ્ણુતા વધી ગઈ છે!’ તેવી કાગારોળ કરનાર મહારથિઓ પણ સ્વયં અસહિષ્ણુ જ હોય છે. રાહત ઈન્દૌરીએ અને મુનવ્વર રાણાએ રીતસર રૂદન કર્યું છે કે, અસહિષ્ણુતા વધી ગઈ છે. પરંતુ એમનાં વિશે કોઈ ટિપ્પણી કરે ત્યારે ઈન્દોરી અને તેમનાં સમર્થકો સહિષ્ણુતા છોડી દેતાં હતાં. મુનવ્વર રાણા અને તેમની પુત્રી ટેલીવિઝન પર સતત અને સખત બકવાસ કરતા રહે છે. પછી સ્વાભાવિક જ તેઓ ટ્રોલ થાય છે અને પછી તેઓ કહે છે કે, મોદી આવ્યા પછી અસહિષ્ણુતા વધી ગઈ છે!
એવું કશું જ નથી. અગાઉ ગામમાં એક જ ચોરો રહેતો. જ્યાં જગત આખાની પંચાત થતી. હવે મોબાઈલ, વ્હોટ્સએપ ગ્રુપ અને ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ સ્વરૂપે ઘેર-ઘેર બે-પાંચ ચોરા થઈ ગયા છે. સૌની કૂથલી કરવી છે, પંચાત કરવી છે. બેઝિકલી આ જ ભારતીય પ્રકૃતિ છે. અત્યાર સુધી માધ્યમ નહોતું, હવે માધ્યમ છે. મફતમાં ગામ બુરાઈ કરવાની તક મળતી હોય તો કોણ ગુમાવે!