પ્રારંભિક તબક્કામાં હૈદરાબાદે આપેલા પરાજયનો હિસાબ સરભર કરવા ગુજરાત ટાઈટન્સ આતુર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
શાનદાર ફોર્મમાં રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ બુધવારે આઇપીએલના લીગ મુકાબલા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઊતરશે ત્યારે પોતાને પ્રારંભિક તબક્કામાં મળેલા પરાજયનો હિસાબ સરભર કરવાના ટાર્ગેટ રાખશે. હાર્દિક પંડયાના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમે સાત મેચમાં છ વિજય હાંસલ કર્યા છે અને હૈદરાબાદ સ ામે એકમાત્ર પરાજય મળ્યો છે. બીજી તરફ પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત પાંચ વિજય મેળવનાર હૈદરાબાદની ટીમ ગુજરાતને પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમેથી ખસેડીને પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો ઇરાદો રાખશે. બન્ને ટીમ પાસે મજબૂત પેસ બોલિંગ આક્રમણ છે અને બન્ને વચ્ચે રોમાંચક મુકાબલાની પૂરેપૂરી સંભાવના છે.
ગુજરાતનો લોકી ફર્ગ્યુસનની 150 કિલોમીટર પ્રતિ કલાકની રફતારનો જવાબ હૈદરાબાદનો યુવા ભારતીય બોલર ઉમરાન મલિક લગભગ એટલી જ સ્પીડથી આપશે તેમાં કોઈ શંકા નથી. જોકે આ મામલે હૈદરાબાદનું પલડું ભારે જણાય છે જેણે પોતાના છેલ્લા મુકાબલામાં સ્ટાર્સથી ભરેલી બેંગ્લોરની ટીમને માત્ર 68 રનમાં તંબુ ભેગી કરી દીધી હતી. સાઉથ આફ્રિકાનો માર્કો જાનસેન એકસ્ટ્રા બાઉન્સની સાથે બોલને ખૂબીથી સ્વિંગ કરે છે અને ઉમરાન રફતારનો સૌદાગર બન્યો છે. યોર્કર નિષ્ણાત નટરાજન સાત મેચમાં 15 વિકેટ ઝડપી ચૂક્યો છે. સિનિયર બોલર ભુવનેશ્વર પણ રિધમમાં છે. હૈદરાબાદની મુખ્ય સમસ્યા સ્પિન બોલિંગ છે.
ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરના સ્થાને જગદીશ સૂચિથ મોર્ચો સંભાળી રહ્યો છે. સ્પિનના મામલે ગુજરાત પાસે રાશિદ ખાન છે પરંતુ અફઘાનિસ્તાનનો આ સ્પિનર વર્તમાન લીગમાં વધારે વિકેટો હાંસલ કરી શક્યો નથી. ફર્ગ્યુસનને મોહમ્મદ શમીનો સાથ મળી રહ્યો છે જેણે સાત મેચમાં દસ વિકેટ ઝડપી છે. હાર્દિકની ટીમ પાસે પાવરપ્લેની બેટિંગ સૌથી મોટી ચિંતા છે. શુભમન ગિલ સાત મેચમાં 207 રન બનાવી શક્યો છે. મેથ્યૂ વેડ અને રિદ્ધિમાન સાહાનુ પ્રદર્શન એવરેજ રહ્યું છે. હૈદરાબાદ પાસે લાંબી બેટિંગ લાઇનઅપ છે અને સુકાની વિલિયમ્સન સહિત તમામ ઉપયોગી રન બનાવી રહ્યા છે.
- Advertisement -
બેંગ્લોરના બેટ્સમેનો ઘૂંટણિયે, રાજસ્થાનનો 29 રનથી વિજય
145ના ટાર્ગેટ સામે બેંગ્લોર માત્ર 115માં ખખડ્યું : રિયાન પરાગના 31 બોલમાં અણનમ 56 રન : કુલદીપ સેનની 20 રનમાં 4 વિકેટ, રવિચંદ્રન અશ્વિનની 3 વિકેટ
રિયાન પરાગના 31 બોલમાં અણનમ 56 રન બાદ કુલદીપ સેને ચાર અને અશ્વિને ત્રણ વિકેટ ઝડપતાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આઇપીએલ ટી-20માં 29 રનથી વિજય મેળવ્યો હતો. જીતવા માટેના 145ના ટાર્ગેટ સામે બેંગ્લોર માત્ર 115 રનમાં જ ખખડી ગયું હતુ. સતત બે મેચમાં ગોલ્ડન ડક બાદ ઓપનિંગમાં ઉતરેલો કોહલી 9 રને આઉટ થયો હતો.
જીતવા માટેના 145ના આસાન લાગતાં પડકારનો પીછો કરવા ઉતરેલા બેંગ્લોરનો ધબડકો થયો હતો. વિરાટ કોહલી ઓપનિંગમાં આવ્યો હતો અને માત્ર 9 કરી આઉટ થયો જ્યારે ડુ પ્લેસીસ 23, મેક્સવેલ 0 રનમાં આઉટ થયા હતા. રાજસ્થાને નિયમિત અંતરે વિકેટ ઝડપીને બેંગ્લોરને હાર તરફ ધકેલ્યું હતુ. કુલદીપ સેને 20 રનમાં ચાર અને અશ્વિને 17 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ચહલે તેની 4 ઓવરમાં માત્ર 23 રન આપ્યા હતા.


