પ્રથમ વખત ફાઈનલ રમવા ઉતરશે સાઉથ આફ્રિકાની ટીમ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
- Advertisement -
આજે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રાત્રે 8 વાગ્યા (ભારતીય સમયાનુસાર)થી બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં રમાવાની છે. અત્યાર સુધી બંને ટીમો આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ત્યારે આ મુકાબલો ટક્કરનો થવાની આશા છે. બંને ટીમોની નજર ઈતિહાસ રચવા પર રહેશે. ભારતીય ટીમ પાસે 17 વર્ષ પછી ટી20 વર્લ્ડ કપ જીતવાની તક છે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ વખત ફાઈનલ રમવા ઉતરવાની છે.
ભારતીય ટીમ ફાઈનલ મેચમાં તેના વિનિંગ કોમ્બિનેશન સાથે છેડછાડ કરે તેવી કોઈ સંભાવના નથી. વિરાટ કોહલી પાસેથી ટીમને ફાઈનલ મેચમાં મોટી ઈનિંગની આશા છે. કેપ્ટન રોહિત શર્મા હાલ શાનદાર ફોર્મમાં છે. બોલિંગમાં જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહની સાથે સ્પિન જોડી અક્ષર પટેલ અને કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું છે. એક્યૂવેધરના રિપોર્ટ પ્રમાણે, આજે બાર્બાડોસમાં વરસાદની સંભાવના 78 ટકા છે. સ્થાનિક સમયાનુસાર મેચ સવારે સાડા દસ વાગ્યાથી શરૂ થવાની છે. બાર્બાડોસમાં સવારે 3 થી 10 વાગ્યા સુધી 50 ટકા વરસાદની સંભાવના છે, જ્યારે 11 વાગ્યે તોફાન સાથે વરસાદની સંભાવના 60 ટકા છે. 12 થી 3 વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના 40 ટકાથી ઓછી છે. આ રિપોર્ટ પ્રમાણે, મેચ દરમિયાન વરસાદની ખૂબ જ સંભાવના છે. આઈસીસી દ્વારા ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો મેચ 29 જૂનના રોજ પૂર્ણ નહીં થાય તો 30 જૂનના રોજ મેચ રમાશે. જો આ મેચ રિઝર્વ ડે પર પણ પૂર્ણ થઈ શકશે નહીં તો બંને ટીમોને સંયુક્ત રીતે વિનર જાહેર કરવામાં આવશે.
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ફાસ્ટ બોલર્સને બાઉન્સ સાથે સ્વિંગ કરાવવામાં મદદ મળે છે. મિડલ ઓવર્સમાં સ્પિનર્સ પણ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. આ મેદાન પર રમાયેલી કુલ 32 ટી20 મેચમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 19 મેચ જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમે 11 મેચમાં જીત મેળવી છે. જ્યારે 2 મેચનું પરિણામ આવ્યું નથી. આ મેદાન પર ટોસની ભૂમિકા પણ મહત્ત્વની છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ 11
ભારત: રોહિત શર્મા (C), વિરાટ કોહલી, ઋષભ પંત (WK), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ
સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (WK), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (C), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોર્ટજે, તબરેઝ શમ્સી.