ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે મહાશિવરાત્રિ છે. શહેર-જિલ્લાના શિવાલયો ’બમ બમ ભોલે…’ના નાદથી ગૂંજી ઉઠ્યા છે. અને આસ્થા-ઉલ્લાસપૂર્વક મહા શિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે. મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. વહેલી સવારથી મંદિરો ’બમ બમ ભોલે…’, ’હર હર મહાદેવ…’ ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. વહેલી સવારથી શિવાલયો ખાતે દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
- Advertisement -
શિવ ઉપાસનાનો મહા પર્વ એટલે કે શિવરાત્રી. આ મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. શિવાલયોમાં મહાશિવરાત્રી હોવાથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. ચાર પ્રહરની પૂજા, અભિષેક, શિવમહિમ્ન સ્તોત્ર, ભજન કીર્તન, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો ઠેરઠેર યોજવામાં આવ્યા છે. તો શ્રદ્ધાળુઓ ભાંગનો પ્રસાદ લઇને શિવજીની આરાધના પણ કરી રહ્યા છે. મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવે છે. શિવરાત્રી તો દર મહિને આવે છે. પણ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમ: શિવાયના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.શહેરના અનેક શિવાલયો જેવા કે બિલેશ્વર મહાદેવ પાનવાડી,ભવનાથ મહાદેવ ચિત્રા,તખ્તેશ્વર મહાદેવ,નારેશ્વર મહાદેવ, થાપનાથ મહાદેવ, તેમજ શિહોરના નવનાથ સહિતના શિવાલયોમાં મહાઆરતી, દીપમાળા સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભાવીકો એ ઉપવાસ કે એકટાણું કર્યું હતું. ખાસ કરીને ભાવિકો શક્કરિયા અને તેમજ શક્કરિયાનો શીરો રાજગરાની પૂરી, સુકી ભાજી, શ્રીખંડ, મઠઠો વગેરેનું ફરાળ કર્યું હતું. ભાંગનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.શિવાલયો નજીક ભાંગના વેચાણની લારીઓ વહેલી સવારથી ઉભી રહી હતી.



