એવો વિનાશ જે માનવ ઈતિહાસે કદી નહીં જોયો હોય, મોરબી થયું હતું તબાહ !
25-30 ફુટ ઉંચા પાણીના મોજાની થપાટે મોરબીને જમીનદોસ્ત કરી નાખ્યું હતું !
- Advertisement -
પાણીના પ્રવાહની વચ્ચે સંભળાતી હતી માત્ર પશુઓ અને માનવીઓની મરણ ચિસો…
43 વર્ષ વીતી ગયા ગોઝારા જળ હોનારતને ! જયારે મચ્છુ 2 ડેમ તુટ્યો અને જળ એ જ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને 43-43 વર્ષ વીતી ગયા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી.
- Advertisement -
તારીખ 11 ઓગસ્ટ, 1979 ને શ્રાવણ માસની બોળ ચોથનો દિવસ જયારે મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમનો બંધ પાણીના સખત પ્રવાહને ઝીરવી શક્યો ન હતો અને બંધની દીવાલ તૂટી પડતા સર્જાયો હતો એવો વિનાશ જે માનવ ઈતિહાસે અગાઉ ક્યારેય જોયો ન હતો કે આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ન હતી. 11 ઓગસ્ટ, 1979 નો એ દિવસ અને સમય હતો બપોરે 3:15 વાગ્યાનો.. જયારે મોરબીમાં એ સમાચાર વહેતા થયા હતા કે ત્રણ ત્રણ દિવસથી લગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ 2 ડેમ તુટ્યો છે તો બીજી તરફ લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે 3:30 કલાકની આસપાસ તો પુરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું ત્યારે આ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી.
જીવ બચાવવા ભાગતા હજારો લોકોને મરછુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા !
મોરબીના મચ્છુ જળ હોનારતની આજે 43મી વરસી
અમેરિકાથી ફોન આવ્યો’ને ઊંઘતું ભારત જાગ્યું હતું
ઉંઘતા ભારતના દિલ્હીમાં અમેરિકાથી ફોન આવે છે કે, ગુજરાતની મચ્છુ નદીનો ડેમ તુટ્યો છે અને વિનાશ વેરી રહ્યો છે ત્યારે જાગેલું તંત્ર અને એ વખતે હાજર લોકો આજે પણ એ કાળા દિવસને યાદ કરતા કંપી ઉઠે છે. હા… આજથી બરાબર 43 વર્ષ પહેલા 11 મી ઓગસ્ટ 1979 માં મચ્છુ નદીની હોનારતે મોરબીને વેરાન કરી નાખ્યું હતું. અમેરિકાની સેટેલાઈટ મારફત મોરબીમાં જળહોનારતની માહિતી મળી હતી તે દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મરછુ 2 ડેમ તૂટવાની સાથે જ મોરબીમાં મોતનું તાંડવ થયું હતું. મચ્છુ 2 ડેમના રાક્ષસી કાળના પાણીના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યા હતા અને એ સાથે મોરબી તબાહ થઈ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક પણ મળી ન હતી. મકાનો, મોટી મોટી ઈમારતોને મરછુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા અને જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મરછુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. મોરબી શહેરના નિંચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકો ઉંચાઈવાળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટયા હતા.
મુખ્યમંત્રી બાબુભાઈએ તમામ મંત્રીઓને બોલાવી મોરબીથી જ સરકાર ચલાવવાનું શરૂ કર્યું !
જળ હોનારત વખતે જનતા પક્ષની ટેકાવાળી સરકારના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની કામગીરી સલામીને પાત્ર હતી. બાબુભાઈને મોરબી હોનારતના સમાચાર મળતા જ તેમણે તુરંત જ કૃષિ સચિવ એચ કે ખાનને મોરબી રવાના કર્યા હતા અને ત્યારબાદ 13 ઓગસ્ટે સવારે 11:15 વાગ્યે બાબુભાઈ મોરબી આવ્યા અને તેમણે મહેસૂલ મંત્રી તેમજ કૃષિ મંત્રી સાથે મોરબી શહેરની મુલાકાત લીધી. આ મુલાકાતમાં મોરબીના પૂરપીડિત લોકોએ બાબુભાઈ પર ભારે રોષ ઠાલવ્યો જે રોષ બાબુભાઈને ભીતરથી હચમચાવી ગયો. બાબુભાઈએ કેશુભાઈ પટેલ અને હેમાબેન આચાર્ય સહિતના મંત્રીઓને મોરબી બોલાવી મોરબીથી જ સરકાર ચલાવવાનું શરૂ કર્યું… આ રાજપુરુષ દરરોજ કાદવ કીચડવાળા રસ્તાઓ પર પગપાળા નીકળતા અને વહેલી સવારથી શહેરમાં ચાલતી રાહત કામગીરીનું નિરીક્ષણ કરતા… ત્યારબાદ બાબુભાઈ મંત્રીઓ સહીત તે સમયના કલેકટર એ. આર. બેનર્જી, એસપી પ્રભાત દત્તા, ધારાસભ્ય ગોકળ પરમાર, પાલિકા પ્રમુખ રતિલાલ દેસાઈ અને જીલ્લા ગૃહ રક્ષક દળના કમાન્ડર ઉષાકાંત માંકડ સાથે મીટીંગ યોજતા…
માણસને યોજનાની માહિતી માટે ગાંધીનગર મોકલનાર ઈજનેરને બાબુભાઈએ ખખડાવ્યા !
મોરબીના નુકસાન પામેલા પાડા પુલની બાજુમાં મચ્છુ નદી પર બની રહેલા કામચલાઉ બેઠા પુલની બાંધકામ પ્રગતિ જોવા બાબુભાઈ પહોંચતા હાજર ઈજનેરે અહેવાલ આપ્યો કે, આ યોજનાની માહિતી સાથે માણસ ગાંધીનગર રવાના થયો છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે. આ સાંભળીને બાબુભાઈ ગુસ્સે ભરાયા હતા અને ઉંચા અવાજે ઈજનેરને કહ્યું હતું કે, તમે માણસ ગાંધીનગર મોકલ્યો ? ત્યાં જઈને તે તમારા મુખ્ય ઈજનેરને મોકલશે પછી ઉપસચિવ, નાયબ સચિવ અને સચિવ ત્યારપછી સચિવ આ કાગળો મંત્રીને મોકલશે.. કેટલા દિવસ લાગી જાય ! આ નહીં ચાલે, મુખ્યમંત્રી તરીકે હું કહું છું કે હું છું તમારો સચિવ, હું જ તમારો મુખ્ય ઈજનેર અને હું જ તમારો મંત્રી! આવતીકાલે સવારે આઠ વાગ્યે કામ શરૂ થઈ જવું જોઈએ જે કંઈ ખર્ચ થશે એ હું અપાવી દઈશ અને બીજા દિવસે સવારે પુલનું કામ શરૂ થઈ ગયું !
આજે મચ્છુ જળ હોનારતના 43 વર્ષ પૂરા થયા છે જે તે વખતે આ હોનારત માટે તપાસ પંચ બનાવવામાં આવ્યું હતું જે પંચને પછીના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ વિખેરી નાખ્યું અને જળ હોનારત માટે દોષિત કોણ ? એ પ્રશ્ન હંમેશા રહસ્ય બનીને જ રહી ગયો… દર વર્ષે મોરબીવાસીઓ મચ્છુ જળ હોનારતના કાળોતરા દિવસને યાદ કરે છે કેમકે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે 43 વર્ષ પછી પણ મોરબીવાસીઓના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી…