ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાયએ અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માં આજે ભાદરવી પૂનમ મહા મેળામાં લાખો પદયાત્રીઓ માના ચરણોમાં શીશ ઝુકાવી પાવન બનશે. ભાદરવી સુદ આઠમ તારીખ 12 સપ્ટેમ્બરથી શરુ થયેલો ભાદરવી મહાકુંભનો આજ છેલ્લો દિવસ છે. આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો અંબાજી મંદિરે જોવા મળી રહ્યો છે. વેહલી સવારે 6 વાગ્યે માતાજીની મંગળા આરતીમાં ’બોલ માડી અંબે જય જય અંબે’નો નાદ કરતા કરતા મોટી સંખ્યામાં ભક્તો જગતજનની મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પૂનમને લઈ અનેકો સંઘો અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મેળામાં કાર્યરત વિવિધ વિભાગો દ્વારા આજે ભાદરવી મહાકુંભ નિર્વિઘ્ને સંપન્ન થતાં મંદિરના શિખરે ધજા ચઢાવી માતાજીનો આશીર્વાદ લીધો હતો. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉૠઙ વિકાસ સહાયએ અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવી હતી. માં અંબાના મૂળ સ્થાન ગબ્બર પર્વત પર પણ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળતો હતો.ભાદરવી પૂનમ હોય લાખો પદયાત્રીઓ માના ચરણોમાં શિશ ઝુકાવી આગામી નવરાત્રી પર્વમાં પોતાના ગામ કે પોતાના ઘરમાં પધારવા માટે માં અંબાને આમંત્રણ આપશે અને પોતાની સુખાકારી માટે માં અંબાને વિનવણીઓ કરશે. મંગળવારે યાત્રાધામ અંબાજી સંપૂર્ણ ભક્તિ રંગના રંગે રંગાઈ જવા પામ્યું હતું.ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે જય ભોલે ગ્પ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિમત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. ચાચર ચોકમાં સેંકડો માઈભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરાતાં સમગ્ર ચાચર જય અંબેના નાદથી ગુંજી ઉઠયો હતો.
- Advertisement -
શ્રી યંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે જય ભોલે ગ્રુપ અમદાવાદની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું કે, આ સ્તુતિથી કરોડો માઇભકતોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે. સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધાળુઓની આસ્થાને નવી ઊર્જા પૂરી પાડશે. કોઈપણ શ્રી યંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સ્તુતિ છે. આદ્ય શકિત જેમાં વાસ કરે છે એવા શ્રી યંત્રની સ્તુતિથી શકિતપીઠ અંબાજી ખાતે શકિત, શ્રી યંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ રચાયો છે. જે અંબાજી શકિતપીઠની આધ્યાત્મિક આસ્થાને સાંકળતી મજબૂત કડી બનશે.