ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશીનો આજે જન્મદિવસ છે. શિશુવયથી જ સંઘના સ્વયંસેવક હોવાના નાતે રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા હોય રાજકીય ક્ષેત્રમાં ભાજપમાં કાર્યકર્તા તરીકે જોડાઈને નાની-મોટી અનેક જવાબદારીઓ સંભાળી તેમજ લોકલડતો- યાત્રાઓમાં ભાગ લીધો. શહેર ભાજપ મંત્રી, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સફળ કામગીરી બજાવનાર મુકેશભાઈએ કોર્પોરેશનથી લઈને લોકસભાની ચૂંટણીમાં સક્રિય કામગીરી બજાવેલી છે અને એક વર્ષથી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત છે.
- Advertisement -
કોઈના દુ:ખે દુ:ખી, કોઈના સુખે સુખી, પારકી છઠીના જાગનારા, પરગજુ પ્રવૃત્તિના પ્રાણ અને દીનદુ:ખિયાઓને જોઈને જેમનું હૃદય હંમેશા દ્રવી ઉઠે છે તેવા અતિસંવેદનશીલ મુકેશભાઈ યુવાનોના રાહબર તરીકે યંગ સ્ટાર ક્લબ ઓફ રાજકોટ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા, વિવેકાનંદ યુથ ક્લબ, સાહિત્ય સેતુ, એન.જી.ઓ. ફેડરેશન, માતૃભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી નિધિ ક્રેડીટ સોસાયટી, રક્તદાન- ચક્ષુદાન- દેહદાન, થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ, કોટેચા ગર્લ્સ સ્કૂલ ટ્રસ્ટ, ભાડલા હવેલી સહિતની સંસ્થાઓના સુકાની તરીકેની જવાબદારી સંભાળે છે અને સેવાકીય, સામાજિક, રચનાત્મક અને માનવતાવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. યંગ સ્ટાર બ્લડ બેંકના માધ્યમથી ‘વન ફેમિલી વન ડોનર’નું સૂત્ર વહેતું કર્યું. અસંખ્ય રક્તદાન શિબિરો યોજીને હજારો લોકોને નવજીવન આપવામાં નિમિત્ત બન્યા. શહેરની અસંખ્ય સંસ્થાઓ દ્વારા સન્માનિત થઈ ચૂકેલા મુકેશભાઈનું 2001ની સાલમાં રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ સામાજિક કાર્યકર્તાનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવેલું છે.
લેખન, વાંચન, સમાજસેવા, રમતગમત, સંગીત તેમજ સાહિત્યનો શોખ ધરાવતા તેમજ માનવધર્મથી કોઈ મોટો ધર્મ નથી તેવું માનતા મુકેશભાઈ વિશાળ મિત્રવર્તુળ અને વ્યાપક સંબંધો ધરાવે છે તેમજ મોઢ વણિક સમાજનું ગૌરવ છે. કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં ઘર ઝાલીને બેસી ન રહેતા રાહત રસોડું, કીટ વિતરણ, નાસ્તા વિતરણ, થેલેસેમિક બાળકો માટે રક્તની વ્યવસ્થા, રક્તદાન શિબિરોનું આયોજન ઉપરાંત સમાજમાં સારું કામ કરતી વ્યક્તિ કે સંસ્થાનો હોસલો બુલંદ બને, બીજાને પ્રેરણા મળે તે માટે તેઓને બિરદાવવાનું અનુમોદનાનું કાર્ય સતત લોકડાઉનના પ્રથમ દિવસથી કર્યું હતું. પોતાની સફળતાનો યશ હંમેશા ટીમને આપતાં અને એક સારા ગાયક, લેખક, વક્તા, ઉદ્ઘોષક અને એથી પણ વધુ ઉમદા માનવી એવા મુકેશભાઈ સમાજની હજી વધુ ને વધુ સેવા કરે, ઈશ્વર લાંબી આવરદા નિરામય અને સુખમય જીવન આપે તેમજ ઈશ્વરના આશીર્વાદ સદા સર્વદા મુકેશભાઈ પર વરસતા રહે એવી સર્જનહારને પ્રાર્થનાસહ જન્મદિવસની અગણિત મંગલ શુભકામનાઓ મુકેશભાઈ દોશીના મો. 9825077725 પર મળી રહી છે.



