આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવવું તે કોઇ સમસ્યાનો ઉકેલ નથી. આમ છતાં અનેક લોકો આ પ્રકારનું અવિચારી-કાયર પગલું ભરીને જીવનનો અંત લાવી દે છે. ગુજરાતમાંથી 3 વર્ષમાં કુલ 25841 વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 25 વ્યક્તિ આત્મહત્યા કરે છે. 10 સપ્ટેમ્બરે ‘આત્મહત્યા નિવારણ દિવસ’ છે ત્યારે આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતાનો વિષય છે.
3 વર્ષમાં આત્મહત્યા કરવાના પ્રમાણમાં 10 ટકાથી વધુનો વધારો
- Advertisement -
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ અનુસાર, વર્ષ 2020માં 8050, 2021માં 8789 અને 2022માં 9002 વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારાના પ્રમાણમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. 2020 કરતાં 2022માં આત્મહત્યા કરનારાનું પ્રમાણ 10 ટકાથી વધારે હતું. વર્ષ 2022માં પારિવારિક સમસ્યાને કારણે સૌથી વધુ 2285, બીમારીને કારણે 1747, લગ્નને કારણે 367 વ્યક્તિએ આત્મહત્યા કરેલી છે. આત્મહત્યા કરવામાં હાઉસવાઇફનું પ્રમાણ સૌથી વધુ 1761 છે.
સોશિયલ મીડિયાને કારણે દેખાદેખીનું પ્રમાણ પણ વધ્યું
તજજ્ઞોના મતે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ, ડિપ્રેશન જેવા પરિબળો જવાબદાર હોય છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક લોકોના હજારો ‘ફ્રેન્ડ્સ’ હશે પણ વ્યક્તિ જ્યાં પોતાનું હૃદય ઠાલવી શકે તેવા સાચા મિત્ર હોતા નથી. જેના કારણે તે વધુને વધુ હતાશામાં આવીને આત્મહત્યા કરવાનું પગલું ભરી લે છે. સોશિયલ મીડિયાને કારણે દેખાદેખીનું પ્રમાણ પણ વધ્યું છે.
- Advertisement -
જેના કારણે મિત્ર પાસે નવી કાર, વિશાળ ઘર, વિદેશની ટ્રીપના ફોટા સોશિયલ મીડિયામાં જોતાં અનેક લોકો ‘હું પાછળ રહી ગયો’ તેવા વિચાર સાથે હતાશામાં ગરકાવ થઇ જાય છે.આત્મહત્યા કરવાનો વિચાર આવે તો પ્રત્યેક વ્યક્તિએ પોતાની પાસે શું સારું છે, પોતાને જે સૌથી વઘુ પ્રેમ કરતું હોય તેનો એક વિચાર કરી લેવો જોઈએ. આત્મહત્યા નિવારણ માટે કાર્યરત એક સંસ્થાની હેલ્પલાઈનમાં વર્ષ 2019માં 18488, 2020માં 21430, 2021માં 21855, 2022માં 19778 અને 2023માં 14 હજારથી વધુ કોલ્સ આવ્યા હતા.
નિષ્ફળતા એ જીવનનો અંત નથી
પરીક્ષામાં ધાર્યું પરિણામ નહીં આવવું, કારકિર્દી-પારિવારિક જીવનમાં નિષ્ફળતા, નોકરી નહીં મળવી, નજીવી બાબતે સ્વજન સાથે મનદુઃખ જેવા કારણે સૌથી વઘુ લોકો આત્મહત્યા કરે છે. તજજ્ઞોના મતે નિષ્ફળતા એ જીવનનો અંત નથી. હતાશા અનુભવો ત્યારે અંગત વ્યક્તિ સાથે હૃદય ઠાલવવું જોઇએ. થિયેટરમાં કોઇ ફિલ્મ જોવા ગયા હોઈએ અને તે સારી ના લાગે તો ઈન્ટરવલમાં આપણે ઊભા થઇ જતાં નથી અને એવી આશાએ બેસીએ છીએ કે ઈન્ટરવલ બાદ કદાચ સારી ફિલ્મ સારી નીકળે. તો જીવનની ફિલ્મમાં આપણે અધવચ્ચેથી શા માટે ઊભા થઇ જવાનું વિચારીએ છીએ. આપણે દરેકે દૈનિક જીવનમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવો જોઈએ. કેમકે અનેક સમસ્યાનું તે જ મૂળ છે.