અર્જુન ખાટરિયા સાથે 1000 જેટલા કાર્યકરોએ કેસરિયા કર્યાં
રાજકોટ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મયુરસિંહ જાડેજા, નીતિન વ્યાસ, સેવા દળ પ્રમુખ ભરતસિંહ સહિત તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે
ખાસ-ખબર સંવાદદાતા
આજે જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પાડવા જઈ રહ્યું છે. જિલ્લા કોંગ્રેસના મજબૂત નેતા, જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા એવા અર્જુન ખાટરિયા સવારે 11 કલાકે ભાજપમાં જોડાયા છે.
અર્જુન ખાટરિયા 1000 જેટલા કોંગ્રેસ કાર્યકરો – સમર્થકો સાથે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આજે જિલ્લા ઉપરાંત રાજકોટ શહેરના હોદેદારો પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
હાલ રાજકોટ શહેર ઉપપ્રમુખ અને પૂર્વ યુવા પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, આઇટી સેલના કનવિનર દેવેન્દ્રસિંહ ભટ્ટી, રાજકોટ શહેર ઉપપ્રમુખ કેતન ઝરિયા, રાજકોટ શહેર યુવા ઉપપ્રમુખ ગોપાલ બોરાણા, કેમિસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર નીતિન વ્યાસ, સેવા દળના પ્રમુખ ભરતસિંહ પરમાર, યુવક કોંગ્રેસના અભિષેક તલાટિયા સહિતના નેતાઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાશે.
ગઈકાલે તેમની રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મેયર પ્રદીપ ડવ, ભાજપ અગ્રણી મહેશ ચૌહાણ સાથે મિટિંગ થઈ હતી.
રાજકોટના ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી એવા રાઠોડ પરિવાર છેલ્લા ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા ત્યારે આજે યુવા નેતા જે હાલ રાજકોટ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ છે – જયપાલસિંહ રાઠોડ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં સવારે 11 કલાકે પ્રવેશ કરશે.