ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ રૈયા સ્માર્ટ સિટી એરિયામાં ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્જ (જીએચટીસી) હેઠળ નિર્માણ પામી રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટ સાઈટની મુલાકાત લઇ કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશી ટેકનોલોજીની મદદથી નિર્માણ પામી રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટ શક્ય તેટલો વહેલો પૂર્ણ થાય તેનાં પર ભાર મૂકી રહેલા મ્યુનિ. કમિશનરએ કામગીરીની ગતિ વધુ ઝડપી કરવા સંબંધિત એજન્સી અને અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં આ પ્રોજેક્ટની સાથે જ પાણીની પાઈપલાઈન સંબંધી કામગીરી પણ ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના આપવામાં આવી હતી.
મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન પી.જી.વી.સી.એલ. અને ગુજરાત ગેસ કંપનીનાં પ્રતિનિધિઓ પણ હાજર હતા અને કમિશનરએ આ બંને કંપનીઓને તેમના હિસ્સે આવતું કાર્ય ઝડપભેર આગળ ધપાવવા પણ સુચના આપી હતી.
- Advertisement -
ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્જ હેઠળ ભારતનાં છ શહેરોમાં લાઈટહાઉસ પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યા છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં રૂા. 117 કરોડનાં ખર્ચે બની રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટમાં કુલ 11 ટાવરનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે અને તેમાં કુલ 1144 આવાસ બનાવવામાં આવી રહ્યા છે.



