સ્કૂલ સામે કાર્યવાહી કરવાને બદલે ‘ખાસ-ખબર’ને રદિયો આપવા પત્ર મોકલ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
ધ્રાંગધ્રા શહેરમાં ધમધમતી મંજૂરી વગરની સ્કૂલ હવે શિક્ષણ વિભાગ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે પરંતુ સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે ઉલટાના “ખાસ-ખબર” અહેવાલો સામે રીતસર પડકારો ફેંકતાં હોય તે પ્રકારે તમામ પ્રસિદ્ધ થયેલ અહેવાલો બાબતે રદીયો આપવાનો પત્ર વ્યવહાર કરી રહ્યું છે.
- Advertisement -
સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મંજૂરી નહિ હોવા છતાં સ્કૂલને શરૂ રાખવામાં ભગવાન જાણે આટલો રસ કેમ છે ? તે બાબત તો તપાસનો વિષય છે પરંતુ “ખાસ-ખબર”ને અવળા રવાડે ચડાવવા મજૂરી વગરની સ્કૂલમાં પ્રાથમિક ધોરણ નહિ હોવાનો પત્રમાં ઉલ્લેખ કરી રદિયો આપવાનું લેખિતમાં જણાવાયું છે. પરંતુ જે પ્રકારે ‘ખાસ-ખબર’ને પત્ર આપ્યો તે પ્રકારે જો મંજૂરી વગરની સ્કૂલ સંચાલકને નોટિસ આપી હોત તો ભવિષ્યમાં સ્કૂલમાં અભ્યાસ કરતા 45 બાળકોનું ભાવિ જોખમમાંથી તરી જાય તેમ છે.
જોકે ‘ખાસ-ખબર’ દ્વારા માત્ર પત્રકારત્વ જ નહિ પરંતુ સમજણ અને જવાબદારી સાથેનું પત્રકારત્વ કરી રહ્યું છે જેથી એક પણ અહેવાલમાં સ્કૂલ ખાતે પ્રાથમિક અભ્યાસ ક્રમ અંગે કોઈ પ્રકારનો ઉલ્લેખ કરાયો નથી પરંતુ શિક્ષણ વિભાગને કોઈપણ કારણોસર મંજૂરી વગર સ્કૂલને હાકવા દેવામાં આર્થિક અથવા અન્ય કોઈ ફાયદો થતો હશે જેના લીધે સ્કૂલના સંચાલક સામે કોઈ કાર્યવાહી કરી શક્યું નથી અથવા તો કરવા માંગતું નથી તેવું જણાઈ આવે છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગત 9 ઓક્ટોમ્બર 2024ના પરિપત્રની નકલ જિલ્લા શિક્ષણ અધિકારી શિલ્પાબેન પટેલ પાસે તો હસે જ છતાં પણ તેઓને મોકલી આપી આ પરિપત્રમાં સ્પષ્ટપણે દર્શાવેલ આર.ટી.ઇ 2005ના સેક્શન 18(5) નિયમ મુજબ મંજૂરી વગરની સ્કૂલ સામે કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું પરંતુ શિલ્પાબેન પટેલ દ્વારા આ બાદથી ફોન રિસિવ કરવાનું પણ ટાળે છે. જેથી સ્પષ્ટ રીતે સુરેન્દ્રનગર જિલ્લાનું શિક્ષણ વિભાગ ધ્રાંગધ્રામાં મંજૂરી વગર ચાલતી સ્કૂલને છાવરતી હોવાનું સામે આવ્યું છે.