કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઇર્ષ્યામાંથી સદંતર મુક્ત થયા બાદ જ સાધના કરી શકો
થોડા દિવસો પહેલાં મોર્નિંગ મંત્રમાં ઉલ્લેખિત શ્રીવિધા સાધના વિશે વાંચીને અપેક્ષા કરતા પણ વધારે બહેનો અને ભાઈઓએ એના વિશે વધુ જાણવાની ઈચ્છા પ્રગટ કરી. દસેક દિવસ પહેલા ગેટ ટુ ગેધરમાં પણ એક બે મિત્રોએ મેડિટેશન કરવાની સાચી અને સરળ પદ્ધતિ વિશે પૃચ્છા કરી. ધ્યાન સાધના હોય કે શ્રીવિદ્યા સાધના હોય કે કુંડળીની જાગ્રત કરવાની સાધના હોય, સૌથી પ્રથમ શરત એ છે કે આપણા મનમાં રહેલા છ અવગુણોને સમૂળગા નષ્ટ કરવા. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઇર્ષ્યા. આ છમાંથી સદંતર મુક્ત થયા બાદ જ તમે કોઇપણ ઇશ્વરની કે દેવીની સાધના કરી શકો. આપણે આમાંનું કશું જ કર્યા વગર સીધા આસન પાથરીને ધ્યાન કરવા બેસી જઈએ છીએ. આવું કરવાથી કશું વળશે નહીં. આપણે રોજ સવારે નાહી- ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને ભગવાનના દર્શન કરીએ છીએ. મંદિરમાં પ્રવેશતા પહેલાં આપણે શરીરની સ્વછતા જાળવવાનું ચૂકતા નથી. શું આવી જ સ્વછતા મનની ન કેળવી શકાય?