વોર્ડ નં.18માં સ્ટોર્મ વોટર ડ્રેનજ લાઈન અને વોર્ડનં 15માં ઈન્ટરસેપ્ટર ડ્રેનેજ લાઈનની કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી
વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં. 18માં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન, ટી.પી. રોડ પર મેટલીંગ વર્ક અને વોર્ડ નં. 15માં ઇન્ટરસેપ્ટર ડ્રેનેજ લાઈનની ચાલુ કામગીરીની સ્થળ પર મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સમીક્ષા કરી હતી. આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં ચાલતી કામગીરી ઝડપી પૂર્ણ કરી શકાય તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવસરાત કામગીરી કરવા અને જરૂર પડ્યે મેનપાવર, મશીનરી વધારી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી રહી છે. ગઈકાલના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.18માં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન,ટી.પી. રોડ પર મેટલીંગ વર્ક અને વોર્ડ નં. 15માં ઇન્ટરસેપ્ટર ડ્રેનેજ લાઈનની કામગીરીની સ્થળ પર જ સમીક્ષા કરી હતી.
વોર્ડ નં. 18માં સાંઈબાબા સર્કલથી માલધારી ફાટક સુધીમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે. જે મનોરંજન કરગ્રાંટમાંથી અંદાજે રૂ. 58 લાખના ખર્ચે બનાવવામાં આવી રહી છે. જેમાં મ્યુનિ. કમિશનરએ એજન્સીને ચોમાસા પહેલા તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી.
વોર્ડ નં. 18માં ટી.પી. રોડ સ્વાતી પાર્ક હેડ વર્કસ થી નેશનલ હાઇ-વે સુધીના રોડ પર મેટલીંગ કરવાનું કામ પણ હાલ ચાલુ છે. તેમાં પણ એજન્સીને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
રાજકોટમાં પ્રિ-મોન્સૂન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા મ્યુ. કમિશનરની સૂચના
