ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાનની મુલાકાત અંગે ખોટી માહિતી ટ્વીટ કરવા બદલ મોરબી પોલીસે તૃણમૂલ કોંગ્રેસના પ્રવકતા સાંકેત ગોખલેની ધરપકડ કરી મોરબી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે રૂ. 15 હજારના જામીન ઉપર મુક્ત કરવા આદેશ કર્યો છે.
તૃણમૂલ કોંગ્રેસના પ્રવકતા સાંકેત ગોખલેએ ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાનની મોરબી મુલાકાતના ખર્ચ અંગે કરેલી ટ્વીટ બાદ ગુરૂવારે મોરબી પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ તેમના વિરુદ્ધ લોકપ્રતિનિધિત્વ એકટની કલમ 1951 અને 125 મુજબ ગુન્હો નોંધ્યો હતો અને પોલીસે તાત્કાલિક ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી કાનૂની કાર્યવાહી બાદ ગઈકાલે ગોખલેને મોરબી કોર્ટમાં રજૂ કરાયા હતા. નામદાર મોરબી કોર્ટમાં સાંકેત ગોખલેના વકીલે જામીન માટે કરેલી દલીલમાં જણાવ્યું હતું કે, જે એકટ મુજબ ફરીયાદ નોધાઈ છે તેમાં આરોપીને કઈ લાગતું વળગતું નથી. આરોપી અહીં ચૂંટણી લડતા નથી કે તેઓ કોઈના એજન્ટ નથી, ઉપરાંત આરોપી હાર્ટના પેશન્ટ હોય જામીન મુક્ત કરવા માંગ કરી હતી જે બાદ સરકારી વકીલે આરોપી બહારના રાજ્યના હોય જામીન નહીં આપવા દલીલ કરતા બંને પક્ષની દલીલ બાદ નામદાર મોરબી કોર્ટે સાંકેત ગોખલેને રૂ.15 હજારના જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો.
TMCના રાષ્ટ્રીય પ્રવકતા સાકેત ગોખલેનો જામીન ઉપર છુટકારો
