રેડ ઇન્ડિયન્સના પ્રતિકારથી લઈને આધુનિક ટેકનોલોજી દ્વારા બોર્ડર સુરક્ષા સુધીની કથા…
સ્ટુડન્ટ વિઝા પર આવેલા આતંકવાદીઓના કૃત્યથી પરદેશીઓ માટે અમેરિકાના દ્વાર બંધ થયા
- Advertisement -
ઈ.સ. 1492માં જે દેશની યુરોપના ક્રિસ્ટોફર કોલંબસે અનાયાસે ખોજ કરી ત્યારથી વિશ્ર્વના લોકોનો એ દેશ પ્રત્યે ધસારો છે. આજે તો અમેરિકામાં પ્રવેશવા માટે લોકો જાનનું જોખમ ખેડે છે. હજારો-લાખો રૂપિયા ખર્ચે છે.
સૌપ્રથમ અમેરિકા ખંડ જ્યારે શોધાયો ત્યારે ત્યાંના મૂળ વતનીઓ, જેઓ ‘રેડ ઈન્ડિયન’ તરીકે ઓળખાયા, એમણે યુરોપ અને ઈંગ્લેન્ડના લોકોનો અમેરિકામાં પ્રવેશવા ઉપર પ્રતિકાર કર્યો. પણ એમની બંદૂકો સામે એ રેડ ઈન્ડિયનોના તીર-કામઠા કામ ન લાગ્યાં. ઈંગ્લેન્ડ અને યુરોપના લોકોએ ધીરે ધીરે પછી અમેરિકામાં પોતપોતાની કોલોનીઓ સ્થાપી. આંતરવિગ્રહ થવા લાગ્યા અને અંતે એક દેશ અમેરિકાની સ્થાપના થઈ. ત્યાર બાદ પરદેશીઓને અમેરિકામાં પ્રવેશતાં અટકાવવા માટે અમેરિકાએ જાતજાતના પ્રયત્નો આદર્યા. સૌપ્રથમ જો તમારે અમેરિકામાં પ્રવેશવું હોય તો તમારી પાસે ઓછામાં ઓછા પંદર ડોલર હોવા જોઈએ એવી શરત ઘડી. પછી મુંડન વેરો નાખ્યો, પ્રવેશનિષેધનાં કારણો ઘડ્યાં. કેલિફોર્નિયામાં આવેલ સોનાની ખાણોમાં જથ્થાબંધ કામ કરવા આવતા ચીનાઓને રોકવા ‘ધ ચાઈનીઝ એક્સક્લુઝન એક્ટ’ ઘડ્યો. જાપાનીઝ મજૂરોને પણ સસ્તા દરે મજૂરી કરવા આવતા રોકવા જાપાનની સરકાર જોડે ‘ધ જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ’ કર્યા. વર્ષ 1790માં ‘નેચરલાઈઝેશન એક્ટ’ ઘડ્યો, જેની હેઠળ અમેરિકન નાગરિક બનવાની વિધિ અને સમય નક્કી કર્યો. એ બે વર્ષની સમયમર્યાદા 1795માં વધારીને પાંચ વર્ષની કરી. ત્યાર બાદ ‘એલિયન એનિમીઝ એક્ટ’ ઘડવામાં આવ્યો.
વર્ષ 1882માં ‘ઈમિગ્રેશન એક્ટ’ ઘડ્યો. 1917માં ‘એશિયાટિક બાર્ડ ઝોન એક્ટ’ અને 1918માં ‘પાસપોર્ટ એક્ટ’ તેમ જ 1921માં ‘ક્વોટા એક્ટ’, આમ જુદા જુદા અમેરિકામાં પ્રવેશવા માટેના તેમ જ ન પ્રવેશવા દેવા માટેના કાયદાઓ ઘડવામાં આવ્યા.
વર્ષ 1952માં ‘મેકકરન વોલ્ટર એક્ટ’, જેને આપણે ‘ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (આઈએનએ)’ તરીકે ઓળખીએ છીએ એ કાયદો ઘડવામાં આવ્યો. આ કાયદો હજુ આજે પણ એમાં કરવામાં આવેલા સુધારા-વધારા સહિત અમલમાં છે.
1980માં ‘રેફ્યુજી એક્ટ’ ઘડવામાં આવ્યો. 1986માં ‘ઈમિગ્રેશન રિફોર્મ એન્ડ ક્ધટ્રોલ એક્ટ’ અને ત્યાર બાદ એ જ વર્ષમાં ‘ઈમિગ્રેશન મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ’ ઘડવામાં આવ્યો, 1986માં એન્ટિ-ડ્રગ એબ્યુઝ એક્ટ’ અને પછી 1989માં ‘ઈમિગ્રેશન નર્સિંગ રિલિફ એક્ટ’ ઘડવામાં આવ્યો. 1991માં ‘ટોર્ચર વિક્ટિમ પ્રોટેક્શન એક્ટ’ અને 1992માં ‘ચાઈનીઝ સ્ટુડન્ટ પ્રોટેક્શન એક્ટ’ તેમ જ ‘સોવિયેત સાયનિસ્ટસ ઈમિગ્રેશન એક્ટ’ ઘડાયા. 1994માં ‘વાયોલન્ટ ક્રાઈમ ક્ધટ્રોલ એન્ડ લો એન્ફોર્સમેન્ટ એક્ટ’ ઘટવામાં આવ્યો અને 1996માં ‘એન્ટિ-ટેરરિઝમ એન્ડ ઈફેક્ટિવ ડેથ પેનલ્ટી એક્ટ’ ઘડાયો. એ જ વર્ષમાં ‘ઈલ્લિગલ ઈમિગ્રેશન રિફોર્મ એન્ડ ઈમિગ્રન્ટ રિસ્પોન્સિબિલિટી એક્ટ’ ઘડવામાં આવ્યો. વર્ષ 2000માં અમેરિકાએ ‘ઈન્ટ્રાક્ધટ્રી એડોપ્શન એક્ટ’ ઘડ્યો. વર્ષ 2000માં ‘ચાઈલ્ડ સિટિઝનશિપ એક્ટ’ તેમ જ ‘વિક્ટિમ્સ ઓફ ટ્રાફિકિંગ એન્ડ વાયોલન્સ પ્રોટેક્શન એક્ટ’ ઘડાયા.
11 સપ્ટેમ્બર, 2001ના દિવસે ઓસામા બિન લાદેન દ્વારા આયોજાયેલા ન્યુ યોર્કમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરોને સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશેલા આતંકવાદી મુસ્લિમોએ ધ્વસ્ત કર્યા અને અમેરિકાની ‘ખુલ્લા દ્વાર’ની નીતિ ‘શૂન્યસહિષ્ણુતા’માં ફેરવાઈ ગઈ. ઈમિગ્રન્ટોના એ દેશે એમના દ્વાર ઈમિગ્રન્ટો માટે, પરદેશીઓ માટે બંધ જેવાં કરી દીધાં. ઈમિગ્રેશનની બાબતમાં અત્યંત સખ્તાઈથી કાર્ય કરવાનું શરૂ કર્યું, દિવસે દિવસે એ કડપાઈ વધતી જ ગઈ. વર્ષો જૂની આઈએનએસની સંસ્થાને ‘હોમલેન્ડ સિક્યોરિટી એક્ટ 2002’ ઘડીને નાબૂદ કરવામાં આવી અને એની જગ્યાએ ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી’ની સ્થાપના કરવામાં આવી.
આતંકવાદી હુમલાઓ બાદ તુરંત જ વર્ષ 2001માં ‘યુનાઈટિંગ એન્ડ સ્ટ્રેન્ગધનિંગ અમેરિકા બાય પ્રોવાઈડિંગ એપ્રોપ્રિયેટ ટૂલ્સ રિક્વાયર્ડ ટૂ ઈન્ટરસેપ્ટ એન્ડ ઓબસ્ટ્રક્ટ ટેરરિઝમ એક્ટ’, જેને ટૂંકા ‘યુએસ પેટ્રિયોટ એક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે એ કાયદો ઘડવામાં આવ્યો.
વર્ષ 2002માં ‘ફેમિલી સ્પોન્સર ઈમિગ્રેશન એક્ટ’ અને ‘ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ’ ઘડવામાં આવ્યા. 2004માં ‘એલ-1’ વિઝા અને ‘એચ-1બી’ રિફોર્મ એક્ટ ઘડવામાં આવ્યો. વર્ષ 2005માં ‘રિયલ આઈડી એક્ટ’ દાખલ કરવામાં આવ્યો. એ જ વર્ષમાં વાયોલન્સ અગેન્સ્ટ વુમન રિઓથોરાઈઝેશન એક્ટ’ તેમ જ ‘ઈન્ટરનેશનલ મેરેજ બ્રોકર રેગ્યુલેશન એક્ટ’ દાખલ કરવામાં આવ્યા. વર્ષ 2009માં ‘એમ્પ્લોઈ અમેરિકન વર્કર્સ એક્ટ’ ઘડાયો. અને 2013માં ‘વાયોલન્સ એન્ગ્સ્ટ રિઓથોરાઈઝેશન એક્ટ’ ઘડાયો. આ ઉપરાંત પણ અનેક નાના-મોટા ઈમિગ્રેશનને લગતા જુદા જુદા કાયદાઓ ઘડવામાં આવ્યા અને વર્ષ 2025માં તો અમેરિકાના બીજી વાર ચૂંટાયેલા પ્રેસિડન્ટે ઈમિગ્રેશનની બાબતમાં, ફક્ત અમેરિકામાં જ નહીં, ભારતમાં જ નહીં, પણ વિશ્ર્વમાં ખળભળાટ મચાવી મૂક્યો. આ વર્ષમાં અનેક એવા એક્ઝિક્યુટિવ ઓર્ડરો અમેરિકાના પ્રેસિડન્ટે બહાર પાડ્યા, જેની કોઈએ કદીયે કલ્પના કરી નહોતી. (ક્રમશ:)



