બાળકોના 10 અને વયસ્કો માટે રૂપિયા 20: સોમવારે ‘રામ વન’ બંધ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
‘રામ વન’માં હાલના તબક્કે 3 થી 12 વર્ષના મુલાકાતીઓ માટે રૂા. 10/- અને 12 વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીઓ માટે રૂા. 20/-પ્રવેશ ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મુલાકાતનો સમય સવારે 09:00 થી સાંજના 06:00 વાગ્યા સુધીનો રહેશે અને દર અઠવાડિયે સોમવારે રામવન બંધ રહેશે તેવું મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, બાગ બગીચા સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ એક યાદીમાં જણાવ્યું છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘રામવન’- અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ ગત તા. 17/08/2022ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ તા. 28/08/2022 સુધી રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમ્યાન અંદાજે 2 લાખથી વધુ લોકોએ રામ વનની મુલાકાત લીધી હતી. તા. 29/08 ને સોમવાર અને તા. 30/08 ને મંગળવારના રોજ સફાઈ કામગીરી હાથ ધરવા માટે રામવન અર્બન ફોરેસ્ટ મુલાકાતીઓ માટે બંધ રહેશે અને હવે તા. 31/08થી રામ વનમાં પ્રવેશ માટે ટિકિટનાં દર રાખવામાં આવ્યા છે. જે મુજબ હાલના તબક્કે 0થી 3 વર્ષના બાળકો માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે. જ્યારે 3થી 12 વર્ષના મુલાકાતીઓ માટે રૂા. 10/- અને 12 વર્ષથી મોટી ઉંમરના મુલાકાતીઓ માટે રૂા. 20/- રાખવામાં આવી છે. રામવનની મુલાકાતનો સમય સવારે 09:00 થી સાંજના 06:00 વાગ્યા સુધીનો તેમજ દર અઠવાડિયે સોમવારે રામવન બંધ રહેશે.