ભાવનગરમાં થયેલા હુમલા અંગે ડ્રાઇવરે ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર, તા.01
- Advertisement -
ભાવનગરમાં રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પુત્રની કાર પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના પીથલપુર ગામ નજીક દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાના કારણે કારને મોટું નુકસાન પહોંચ્યું હતું. જો કે, આ મામલે દિવ્યેશ સોલંકીના ડ્રાઇવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં પરસોત્તમ સોલંકી ઉપર જે સ્થળે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ તેમના પુત્રની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જેને લઇને ભાવનગરનું રાજકારણ ગરમાયું છે.ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 30 માર્ચ 2024ની રાતે 10:45 વાગ્યાના સમયે મારી સાથે દિવ્યેશભાઈ સોલંકી તથા બુધેશબાઇ જાંબુચા ગાડી (જી.જે.18.ઈબી.2528) લઇને ભાવનગરથી પીથલપુર (કુકડ) ગામે રામાપીરના આખ્યાનના પ્રોગ્રામમાં હાજરી આપવા ગયા હતા. પીથલપુરથી આ કાર્યક્રમ પૂર્ણ કરી ભાવનગર પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન પીથલપુરથી અડધો કિલોમીટર દૂર આવતા પીથલપુર ગામની પ્રાથમિક શાળા પાસે પહોંચતા જ મોડી રાત્રે (31 માર્ચ 2024) લગભગ 12:15 વાગ્યાના સમયે અચાનક અમારી ગાડી ઉપર છૂટા પથ્થર ફેંકવામાં આવ્યા હતા.ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, અમારી ગાડીની ડ્રાઇવર સાઇડના આગળ તથા પાછળના દરવાજા પર છૂટા ઘા થવાનો અવાજ આવ્યો હતો. જેથી મેં તરત જ ગાડી ઊભી રાખી હતી. આ વખતે બીજા પણ ત્રણ-ચાર ઘા થયા હતા જે ગાડીની બાજુમાંથી પસાર થઈ ગયા હતા. બાદમાં આજુબાજુમાં મોબાઇલની તથા ગાડીની લાઇટથી તેમજ અમારી સાથેની બીજી ગાડીની લાઇટોથી તપાસ કરી હતી. તે દરમિયાન અમને ત્રણ શખ્સો ભાગતા જોવા મળ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ ગ્રે કલરની લાઇનિંગવાળો શર્ટ તેમજ ખભા ઉપર લાલ કલરનું કપડું રાખ્યું હતું. તેમજ બીજા વ્યક્તિએ કાળા તથા લીલા કલરની મોટી ચેક્સવાળો આખી બાયનો શર્ટ પહેર્યો હતો.