ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાની કેટલીક ગ્રામ પંચાયત ચાલુ નાણાકીય વર્ષનું બજેટ મંજુર ન કરાવી શકતા ગત મહિનામાં મળેલી જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં આ ગ્રામ પંચાયતને સુપરસીડ કરવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ અભિપ્રાય વિકાસ કમિશ્નર પંચાયત વિભાગને મોકલવામાં આવ્યો હતો જે રીપોર્ટના આધારે રાજ્યના વિકાસ કમિશ્નર દ્વારા મોરબી જીલ્લાની ત્રણ ગ્રામ પંચાયતોને વિસર્જન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ત્રણેય ગ્રામ પંચાયતના કામ માટે વહીવટદારોની નિમણુંક કરવામાં આવી છે.
રાજ્યના વિકાસ કમિશ્નર દ્વારા મોરબી જીલ્લાની ત્રણ ગ્રામ પંચાયતનું વિસર્જન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં વાંકાનેર તાલુકા પંચાયતમાં આવતી પીપળીયારાજ ગ્રામ પંચાયત, મોરબી તાલુકાની ધરમપુર ગ્રામ પંચાયત તેમજ માળીયા મિંયાણા તાલુકા પંચાયતમાં આવતી હરીપર ગ્રામ પંચાયતને વિસર્જન કરવા આદેશ કરાયો છે. વધુમાં પીપળીયારાજ ગ્રામ પંચાયતના સરપંચ સહીત 11 સભ્યોની બોડી, ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ સહીત 9 સભ્યોની બોડી તેમજ હરીપર ગ્રામ પંચાયતના સરપંચ સહીતના 9 સભ્યોની બોડીનું વિસર્જન કરી ગ્રામ પંચાયતના કામ અટકે નહીં તે માટે પીપળીયારાજ ગ્રામ પંચાયતમાં ડી. એસ. શ્રીમાળી, ધરમપુર ગ્રામ પંચાયતમાં ડી. પી. કાકડીયા તથા હરીપર ગ્રામ પંચાયતમાં એચ. વી. રાંકજાની વહીવટદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે અને જ્યાં સુધી નવી પંચાયત બોડી અસ્તિવમાં ન આવે ત્યાં સુધી વહીવટદારો સમગ્ર ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળશે.