ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી, એક કરોડનો મુદ્દામાલ સીઝ
ખાસ-ખબર સંવાદદાતા
કંડલા વાંકાનેર નેશનલ હાઇવે પર દરરોજ હજારોની સંખ્યામાં ટ્રકો માટી અને અન્ય સિરામિક રો મટીરીયલની હેરાફેરી કરતા હોય છે. આવા ટ્રકની સાથે સાથે કેટલાય ટ્રક ચાલકો કોઈ પણ પ્રકારની મંજૂરી વિના આડેધડ માટીનો કાળો કારોબાર પણ ધમધોકાર ચલાવતા હોય છે ત્યારે મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમોએ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચાઈના ક્લે ભરેલા ત્રણ ટ્રક ઝડપી પાડીને અંદાજે એક કરોડની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરીને તાલુકા પોલીસના હવાલે કરી દિધો હતો.
- Advertisement -
મોરબી જિલ્લા ખાણ ખનીજ અધિકારી જે. એસ. વાઢેરની સૂચના અન્વયે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગેર કાયદેસર ચાઈના ક્લેની હેરાફેરી કરતા ટ્રક જીજે-12-એનઝેડ-7072, જીજે-12-એઝેડ-7284 અને જીજે-12-બીઝેડ-5969 એમ ત્રણ ટ્રક પકડી પાડીને કુલ રૂ. એક કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને ત્રણેય ટ્રકના ચાલકો ફરાર થઇ જતાં તેમને ઝડપી લેવા અને આ ટ્રકના માલિકોની ભાળ મેળવી તેમની સામે કાર્યવાહી કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.