વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ આ મંદિર પોતાના ચમત્કારોને લીધે દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું તથા ભારતીય સૈનિકો અને સરહદના રક્ષાદળો માટે વિશેષ શ્રદ્ધાનું સ્થળ બની ગયું.
– પરખ ભટ્ટ
બોમ્બ ફૂટે તો શું પરિણામ આવે? ઘણા માણસો ઘાયલ થાય, કેટલાયનો જીવ જાય, સાથે માલ-મિલકતનું નુકશાન તો ખરું જ! જો ફક્ત એક બોમ્બ આટલું નુકશાન કરી શકે, તો જરાક વિચારો કે કોઈક જગ્યાએ ત્રણ હજાર બોમ્બ ફેકવામાં આવે તો! શું હાલત થાય એ સ્થળની? કદાચ આખેઆખું શહેર નકશા ઉપરથી ગાયબ થઈ જાય એવું પણ બને! આપણા દેશમાં એક એવું મંદિર છે, જ્યાં પાકિસ્તાને યુદ્ધ દરમિયાન ત્રણ હજાર બોમ્બ ફેકીને એને તોડવાનો ખૂબ પ્રયત્ન કર્યો, છતાં એ દેવાલયને કોઈ પ્રકારનું નુકશાન પહોચાડી શક્યું નહીં! એ મંદિર આજે પણ ત્યાંનું ત્યાં જ ઉભું છે.. અડીખમ! આટલા બધા વિસ્ફોટકોથી હુમલો થયા બાદ, કોઈ બાંધકામની ઇંટ સુદ્ધાં ખરે નહીં એ વળી કઈ રીતે શક્ય છે? ‘તનોટ માતા’નું મંદિર. રાજસ્થાનના જેસલમેરથી 130 કિલોમીટર દૂર, ભારત – પાકિસ્તાનની સરહદ નજીક સ્થિત છે. આ દેવાલય અતિ પ્રાચીન અને લગભગ 1200 વર્ષ જૂનું છે, તેથી જ હંમેશા શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું. વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ, આ મંદિર પોતાના ચમત્કારોને લીધે દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું તથા ભારતીય સૈનિકો અને સરહદના રક્ષાદળો માટે વિશેષ શ્રદ્ધાનું સ્થળ બની ગયું.
1965ની સાલમાં થયેલાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં દુશ્મન દેશની સેનાએ તનોટ પર આક્રમણ કરતા પહેલા બુએલી (કિશનગઢથી 74 કિલોમીટર પૂર્વમાં), સાદેવાલા શાહગઢ પશ્ચિમમાં અને ઉતરમાં અચરી ટીબ્બાથી 6 કિલોમીટર દૂર સુધીના ક્ષેત્ર પર પોતાનો કબજો જમાવી લીધો હતો. તનોટ ત્રણેય દિશાઓથી ઘેરાયેલું હતું.
- Advertisement -
‘તનોટ માતા’નું મંદિર રાજસ્થાનના જેસલમેરથી 130 કિલોમીટર દૂર, ભારત – પાકિસ્તાનની સરહદ નજીક સ્થિત છે, આ દેવાલય અતિ પ્રાચીન અને લગભગ 1200 વર્ષ જૂનું છે
જો શત્રુ તનોટ ઉપર પોતાનો કબજો કરવામાં સફળ થઇ ગયા હોત, તો રામગઢથી શાહગઢના ભાગ ઉપર ખુદનો હક જમાવી શકે તેમ હતાં, તેથી તનોટ બંને દેશના સૈન્ય માટે બહુ મહત્વપૂર્ણ સ્થાન હતું.
તારીખ 17 થી 19 નવેમ્બર 1965, તનોટ પર ત્રણે ય દિશાઓમાંથી પાકિસ્તાની સૈન્યએ ભારે વિસ્ફોટકોથી હુમલો શરુ કર્યો! શત્રુઓ તનોટ પર સતત તોપના ગોળા વરસાવી રહ્યા હતા. પ્રતિકારસ્વરૂપે તનોટને બચાવવા માટે, મેજર જય સિંહના હાથમાં જવાબદારી સોપવામાં આવી. ભારતીય સેનાના થોડા સૈનિકો સાથે એ દુશ્મન સેનાનો સામનો કરી રહ્યા હતાં.
- Advertisement -
જેસલમેરથી તનોટ તરફ જવાના માર્ગ ઉપર ગનતલી માતાનાં મંદિરની પાસે, પાકિસ્તાનીઓએ એન્ટી-પર્સનલ અને એન્ટી-ટેન્ક માઈન્સ લગાવીને તનોટ તરફ મોકલવામાં આવતી મદદ બંધ કરી દીધી હતી, જેથી ભારતીય સેના ઉપર સરળતાથી વિજય મેળવી શકાય.
પાકિસ્તાની સૈન્ય દ્વારા ત્રણ હજાર બોમ્બ મંદિરની આસપાસ ફેકવામાં આવ્યા, પણ મોટા ભાગના ગોળા અલૌકિક રીતે પોતાના લક્ષ્યની દિશાથી ભટકી ગયા અને બીજી જગ્યા પર જઈને પડ્યા! દુશ્મન સૈન્ય દ્વારા મંદિરને નિશાનો બનાવીને 450 બોમ્બ છોડવામાં આવ્યા, એમ છતાં એક પણ ગોળો મંદિર સુધી પહોંચી શક્યો નહીં! ચમત્કારિક રીતે, ઘણા બોમ્બ મંદિરની આજુબાજુ પડયા અને કેટલાક મંદિરની અંદર પડ્યા, પરંતુ ફૂટ્યા જ નહીં! દેવાલયને વિસ્ફોટકોથી નાનીઅમથી પણ આંચ આવી નહીં અને કોઈ નુકશાન વગર, મંદિર એવું ને એવું ત્યાં સ્થિત રહ્યું.
માતાજી અમારી સાથે છે એવી શ્રદ્ધા સાથે, ઓછી સંખ્યામાં હોવા છતાં આપણા સૈનિકોએ સંપૂર્ણ આત્મવિશ્વાસ અને હિંમતથી શત્રુઓ પર હુમલો કર્યો અને એમને હરાવી મોતને ઘાટ ઉતારી દીધા. આપણા જવાનો સામે શત્રુ સેના મેદાન છોડીને ભાગી જવા વિવશ થઇ ગઈ. માતાના આશીર્વાદ અને સૈનિકોના આત્મવિશ્વાસથી આપણો વિજય થયો.
એવું કહેવાય છે કે માતાજી સૈનિકોના સ્વપ્નમાં આવી અને કહ્યું કે,જ્યાં સુધી તમે મંદિરની જગ્યામાં રહેશો ત્યાં સુધી હું તમારી રક્ષા કરીશ. વર્ષ 1965ની લડાઈ પછી આ મંદિરની જવાબદારી બી.એસ.એફ. (સીમા સુરક્ષા દળ)એ લઇ લીધી, ત્યારપછી એ જગ્યા પર પોતાની એક નવી ચોકી બનાવી. મંદિરની વ્યવસ્થાનો કાર્યભાર પણ બી.એસ.એફ.એ પોતાના હાથમાં લઈ લીધો છે.
થોડા સમય બાદ ફરી, 4 ડિસેમ્બર 1971માં પાકિસ્તાને ભારતના લોંગેવાલા ઉપર ટેન્કોથી હુમલો કર્યો. એ રાતે પંજાબ લશ્કરી છાવણીના સૈનિકો અને બી.એસ.એફ.ની એક સૈન્ય ટુકડીએ મળીને દુશ્મનનો સામનો કર્યો, તેમજ માતાની કૃપાથી લોંગેવાલામાં પાકિસ્તાની ટેન્કોનું કબ્રસ્તાન બનાવી દીધું હતું. લોંગેવાલા તનોટ માતાના દેવાલયની પાસે જ આવેલું છે. ત્યાં પ્રાપ્ત થયેલાં વિજય બાદ, દેવાલયની જગ્યા નજીક એક વિજય સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં હવે દર વર્ષે 16મી ડિસેમ્બરના દિવસે શહીદ સૈનિકોની યાદમાં ઉત્સવ ઉજવાય છે.
તનોટ માતાને ‘આવડ માતા’ના નામથી પણ પૂજવામાં આવે છે, તથા એમને હિંગળાજ માતાનું જ એક સ્વરૂપ મનાય છે. હિંગળાજ માતાની શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થિત છે. પ્રતિ વર્ષ અશ્વિન અને ચૈત્રી નવરાત્રિમાં અહીં વિશાળ મેળાનું આયોજન થાય છે તથા શ્રદ્ધાળુઓ એમાં ભાગ લે છે.
તનોટ માતા મંદિરના ઇતિહાસની વાત કરીએ, તો પ્રાચીન સમયમાં મામડિયા નામે એક ચારણ હતા. એમને કોઈ સંતાન ન હોવાથી, સંતાન પ્રાપ્ત કરવાની ઝંખનાને લીધે એમણે હિંગળાજ શક્તિપીઠની સાત વખત પદયાત્રા કરી. એમની ભક્તિથી પ્રસન્ન થઈને એકવાર માતાએ એમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને ઈચ્છા પૂછી, તો ચારણે ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તમે મારે ત્યાં જ્ન્મ લો.
માતાની કૃપાથી ચારણને ત્યાં 7 બાળકીઓ અને એક બાળકનો જન્મ થયો. એ જ સાત બાળકીઓમાંથી એક એટલે આવડ. જેમણે વિક્રમ સંવત 808માં ચારણને ત્યાં જન્મ લીધો અને પોતાના ચમત્કાર બતાવવાનું શરુ કર્યું. સાતે ય બાળકીઓ દૈવીય શક્તિઓ ધરાવતી હતી. તેઓએ હુણોના આક્રમણથી માડ પ્રદેશની રક્ષા કરેલી. માડ પ્રદેશમાં આવડ માતાની કૃપાથી ભાટી રાજપૂતોનું નક્કર રાજ્ય સ્થાપિત થયું તેમજ રાજા તણુંરાવ ભાટીએ આ જગ્યાને પોતાની રાજધાની બનાવીને આવડ માતાને સ્વર્ણ સિંહાસન ભેટમાં આપ્યું. વિક્રમ સવંત 828માં આવડ માતાએ પોતાના ભૈતિક શરીરમાં રહેતા અહીં પોતાની સ્થાપના કરી. ત્યારબાદ ત્યાં મંદિરનું નિર્માણ થયું. માતાના મંદિરમાં સેકડો વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્જ્વલિત છે, જે આજે પણ ઝળહળી રહી છે.
વર્તમાન સમયમાં પણ મંદિરની દેખરેખ તથા એમાં થતા આયોજનો બી.એસ.એફ.ની એક સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જેનું નામ ‘તનોટ માતા ટ્રસ્ટ’ છે. દેવાલયમાં પાકિસ્તાન દ્વારા ફેકવામાં આવેલા બોમ્બ જે ફૂટ્યા ન હતા, એ આજે પણ મંદિરમાં બનેલા સંગ્રહાલયમાં ભક્તોના દર્શન હેતુ રાખવામાં આવ્યા છે.