ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
આ બનાવની વિગત એવી છે કે વાંકાનેરના ધમલપર ગામે રહેતા લાખાભાઈ ગોરાભાઈ બાંભવાએ નથુભાઈ ગોલતર તથા અજાણ્યા ત્રણ ઈસમો વિરૂદ્ધ એવી ફરિયાદ લખાવેલી હતી કે આરોપીના સંબંધી સાથે તેઓને અગાઉ ઝઘડો થયેલ જેથી તેઓ વિરૂદ્ધ ફરિયાદ થયેલ હોય અને પોલીસમાં પકડાઈ જવાની બીકે અલગ અલગ જગ્યાએ ફરતા હોય તા. 16-11-23ના રોજ તેઓ વઘાસીયા ગામમાં જવાની ફાટક પાસે પહોંચેલ ત્યારે એક ફોર વ્હીલ ગાડી આવી તેઓના મોટર સાયકલ વચ્ચે નાખી તેમાંથી નથુભાઈ ગોલતર તથા અજાણ્યા ત્રણ ઈસમો હથિયાર સાથે નીચે ઉતરી પગમાં તથા શરીરના ભાગે માર મારવા લાગતા તેઓ નીચે પડી ગયેલ અને જેમફાવે તેમ ગાળો આપી હવે ગામમાં કોઈ સાથે ઝઘડો કર્યો તો જાનથી મારી નાખું તેવી ધમકી આપી જતા રહેલ.
- Advertisement -
આ સમય દરમિયાન રેલવે ફાટકમાં નોકરી કરતાં બાવાજીનો છોકરો આવી જતાં તેઓએ 108માં ફોન કરી સરકારી દવાખાને સારવારમાં લાવેલ હતા અને આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર તથા અજાણ્યા ત્રણ ઈસમો વિરૂદ્ધ આઈ.પી.સી. કલમ 326, 325, 323, 504, 506 (2), 114 તથા જી.પી.એક્ટની કલમ 135 મુજબની ફરિયાદ નોંધેલ હતી.
ત્યારબાદ સારવાર દરમિયાન તા. 18-11-23ના રોજ ઉપરોક્ત ફરિયાદી મરણ જતાં પોલીસ દ્વારા ઉપરોક્ત ફરિયાદમાં આઈ.પી.સી. કલમ 302 તથા 341નો ઉમેરો કરેલ અને હાલનો બનાવ ખૂનના ગુન્હામાં પલટાયેલ હતો અને સદરહુ ગુન્હામાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા નથુભાઈ ભગાભાઈ ગોલતર, ગેલાભાઈ છગનભાઈ ગોલતર, મંગાભાઈ જાલાભાઈ ગોલતર, રણછોડ ઉર્ફે સતીષ રૈયાભાઈ ગોલતરની ધરપકડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ કામમાં વાંકાનેર પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ હતું. ચાર્જશીટ રજૂ થયા બાદ ઉપરોક્ત આરોપીઓ પૈકી ગેલાભાઈ છગનભાઈ ગોલતર, મંગાભાઈ જાલાભાઈ ગોલતર, રણછોડ ઉર્ફે સતીષ રૈયાભાઈ ગોલતરે નામદાર મોરબી સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી.
જે અરજીના અનુસંધાને નામદાર અદાલતમાં એવી રજૂઆત કરેલ હતી કે આ ગુન્હામાં ગુજરનારને હાલના અરજદારે કોઈ ઈજા પહોંચાડેલ નથી અને ફરિયાદ એક જ કુટુંબના બધા સભ્યોને ખોટી રીતે સંડોવી દેવા આપવામાં આવેલ છે અને હાલના આરોપીઓના ફરિયાદમાં નામ આપવામાં આવેલ નથી કે તેઓની કોઈ ઓળખ પરેડ પણ કરવામાં આવેલ નથી જેથી તેઓ બનાવ સ્થળે હાજર હોય તેવું શંકાસ્પદ જણાય છે અને ફરિયાદી દ્વારા ખોટી ફરિયાદ આપી તેઓને સંડોવી દીધેલ છે તેવું જણાઈ આવે છે. તેઓને ફરિયાદીને મારવાનો કોઈ મોટીવ રહેલ નથી કે ફરિયાદી સાથે તેઓને કોઈ દુશ્મનાવટ રહેલ નથી કે ફરિયાદી કોઈ ઈજાઓ પહોંચાડેલ હોય તેવું પણ ચાર્જશીટના પેપર્સ જોતાં જણાઈ આવતું નથી તેમજ આ કામમાં ચાર્જશીટ પણ રજૂ થઈ ગયેલ છે અને કેસ ચાલવા ઉપર આવી ગયેલ છે. ઉપરોક્ત સંજોગોમાં કાયદાકીય પરિસ્થિતિ, બચાવ પક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો ધ્યાને લઈ નામદાર મોરબી સેશન્સ અદાલત દ્વારા ગેલાભાઈ છગનભાઈ ગોલતર, મંગાભાઈ જાલાભાઈ ગોલતર, રણછોડ ઉર્ફે સતીષ રૈયાભાઈ ગોલતરને શરતી જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવેલ છે.
- Advertisement -
આ કામમાં આરોપીવતી મોરબીના યુવા એડવોકેટ જીતુભા જાડેજા તથા રાજકોટના યુવા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, સાગરસિંહ પરમાર તથા જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલ હતા.