વિસાવદર પંથકમાં ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી ટ્રિપલ મર્ડર મિસ્ટ્રી
સગીર વયના નાનાભાઈએ જ કરી ટ્રિપલ મર્ડરની હીચકારી ઘટના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામ નજીક એક આશ્રમમાં થયેલી હૃદય કંપાવી દેનારી ટ્રિપલ મર્ડરની ઘટનાએ સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી દીધો છે. આ ઘટનામાં એક જ પરિવારના પરપ્રાંતિય પતિ, તેમની ગર્ભવતી પત્ની અને ગર્ભમાં રહેલા ભ્રૂણની હત્યા કરવામાં આવી હતી, અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હીચકારી હત્યાકાંડને અંજામ આપનાર બીજું કોઈ નહીં પણ મૃતકનો સગીર નાનો ભાઈ જ નીકળ્યો છે.
પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર, આ પરપ્રાંતિય પરિવાર શોભાવડલા ગામ નજીકના ખોડિયાર આશ્રમમાં સેવા કરતો હતો. આ સગીર હત્યારાએ 16 ઓક્ટોબરના રોજ પોતાના સગાભાઈ શીવમગીરી અને ભાભી કંચનબેનની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તેણે આ જઘન્ય અપરાધ છુપાવવા માટે બંને લાશોને આશ્રમની જગ્યામાં જ ખાડામાં દફનાવી દીધી હોવાનું કબૂલ્યું છે.
હત્યા બાદ સગીરે મૃતક ભાભીના બિહાર રહેતા પરિવારજનોને જણાવ્યું હતું કે તેના ભાઈ-ભાભીનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. જોકે, પરિવારજનોને આ વાત પર શંકા ગઈ હતી. તેમણે જ્યારે મૃતદેહોના ફોટોગ્રાફ્સ કે અકસ્માત સંબંધિત અન્ય કોઈ વિગત માંગી, ત્યારે સગીરે તે આપવાનો ઇનકાર કરી દીધો.
સતત શંકા રહેતા, મૃતક ભાભીનોભાઈ બુલબુલકુમારસિંઘ હ્રદીસિંઘ, બિહારથી સીધો વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સમગ્ર ઘટનાની વિગત જણાવી. શંકાના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સગીર દિયરની આકરી પૂછપરછ શરૂ કરી. પોલીસની પૂછપરછમાં આ સગીર હત્યારાએ આખરે ભાંગી પડ્યો અને તેણે હત્યા કરી લાશોને ઠેકાણે પાડી દીધી હોવાની સમગ્ર કબૂલાત કરી લીધી હતી.
પોલીસે સગીરની કબૂલાત બાદ આશ્રમની જગ્યામાં તપાસ હાથ ધરતા મૃતક શિવમ અને તેની ગર્ભવતી પત્નીની લાશ ખાડામાંથી મળી આવી હતી. પોલીસે હવે આ ટ્રિપલ મર્ડર પાછળનું ચોક્કસ કારણ જાણવા અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
ભાઈ-ભાભીની લાશને આશ્રમમાં ખાડો ખોદી દાટી દીધી હતી
ઘરકંકાસના કારણે ટ્રિપલ મર્ડર કર્યું હોવાનું ખુલ્યું
કાયદાના સંઘર્ષમાં સગીર નાનો ભાઈ ઘરકંકાસના જૂના ખારને ધ્યાનમાં રાખીને, સૌપ્રથમ તેના સગા ભાઈ શીવમગીરીના માથાના ભાગે લોખંડના પાઇપના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. ત્યારબાદ, તેણે તે જ લોખંડના પાઇપનો ઉપયોગ કરીને પાંચ-છ મહિનાની ગર્ભવતી તેની ભાભી કંચનબેન પર પણ માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો, જેના કારણે કંચનબેનનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. સગીર નાના ભાઈ ભાઈ – ભાભીના કપડાં કાઢી નાખીને, તેમની બંનેની લાશને ઘરના ઢાળીયામાં ખોદેલા ખાડામાં દાટી દીધી હતી.
મહિલા સહ-આરોપી સામે ગુનો દાખલ
શોભાવડલા ગામના ખોડિયાર આશ્રમમાં બનેલ ટ્રિપલ મર્ડર મીસ્ટ્રીને ભેદ ઉકેલાતા વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એન. સોનારાએ કલમ 103(1), 238(એ), 54 મુજબ ગુનો નોંધ્યો હતો, ભાઈ – ભાભીની હત્યા કરનાર સગીર નાનાભાઈએ સમગ્ર બનાવની જાણ વિભાબેન ઉર્ફે બીરમાદેવી અજયગીરી દશનામી રહે.બન્ને શોભાવડલા (લશ્કર), કરી હતી. ત્યારબાદ, વિભાબેન અને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરવયનો નાનો ભાઈએ મળીને ઘરમાં રહી ગયેલા લોહીના ડાઘા તેમજ લોખંડના પાઇપ પરના ડાઘા સાફ કર્યા હતા. આમ, આ બંને આરોપીઓએ હત્યા અને પુરાવાના નાશમાં એકબીજાને મદદગારી કરીને ગુનો આચર્યો હતો. પોલીસે હાલ બંને હસ્તગત કરીને વધુ તપાસ શરુ કરી છે.



