ફાયર ટીમે ધુમાડાથી ભરાયેલા ઘરમાંથી ત્રણ ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને બહાર કાઢ્યા અને તેમને ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં પહોંચ્યા પછી, ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા, કારણ કે તીવ્ર ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી તેમનું મૃત્યુ થયું હતું.
મુંબઈના ગોરેગાંવ પશ્ચિમ સ્થિત ભગતસિંહ નગરમાં શનિવારે, 10 જાન્યુઆરીએ વહેલી સવારે લગભગ 3 વાગ્યે એક ઘરમાં આગ લાગવાની દુઃખદ ઘટના બની હતી. આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ગૂંગળામણને કારણે મૃત્યુ થયા છે, જેમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
- Advertisement -
આગ કાબૂમાં પણ પરિવાર હોમાયો
ઘરમાં આગ લાગવાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ઘરમાં સૂઈ રહેલા ત્રણ લોકોને બચાવી શકાયા ન હતા. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ગૂંગળામણને કારણે એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે.
મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગને આગ લાગ્યાની જાણ સવારે 3:06 વાગ્યે મળી હતી. વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે ઘરમાં આગ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પરના વીજળીના વાયરોમાં લાગી હતી, જે બાદ તે ઘરમાં રાખેલા અન્ય સામાન સુધી ફેલાઈ ગઈ હતી. વિભાગે વધુમાં જણાવ્યું કે ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પહેલાં, સ્થાનિક લોકોએ ડોલથી પાણી નાખીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા વીજળીનો પુરવઠો કાપી નાખ્યો હતો.
- Advertisement -
ઘરમાં હાજર ત્રણેય લોકોને ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ હર્ષદા પાવસ્કર (19), કુશલ પાવસ્કર (12) અને સંજોગ પાવસ્કર (48) તરીકે થઈ છે.




