શાસ્ત્રી મેદાન પાસે ગ્રાહકો શોધતા હતા ત્યારે જ બાતમી આધારે એસઓજીએ ઝડપી લીધા
બાબરાનો શખ્સ આપી ગયાની કબૂલાત : વાઈલ્ડ લાઈફ પ્રોટેક્ટ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ એસઓજીએ વ્હેલ માછલીની ઉલ્ટી વેચવા આવેલા સુરેન્દ્રનગરના ત્રણ શખ્સોને 2.96 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં આ વ્હેલ માછલીની ઉલ્ટી બાબરાનો શખ્સ આપી ગાયનું જણાવતા પોલીસે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્ટ એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ વન વિભાગને સોંપવામાં આવી છે.
- Advertisement -
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ ઝા, એડી.સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા તેમજ એસીપી ક્રાઇમ બી બી બસીયા દ્વારા દરીયાઇ તથા વન્યપ્રાણી જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃતી કરતા શખ્સો ઉપર વોચ રાખી તેમની વિરૂધ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સુચના અન્વયે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એસ.બી.ઘાસુરા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સ્ટાફના એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ્ટેબલ અમિતકુમાર ટુંડિયા, કોન્સ્ટેબલ કીશોરભાઈ ઘુઘલ અને રવિરાજ ધગલને બાતમી મળી હતી કે શાસ્ત્રી મેદાન સામે, હોટલ કે રોજ પાસે ત્રણ શખ્સો શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઉભા છે આ ચોક્કસ બાતમી આધારે ટીમે તુરંત દોડી ગઈ હતી અને અહીં હાજર ત્રણ શખ્સો સુરેન્દ્રનગરના દેવનગરમાં રહેતા નરેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા ઉ.51, સુરેન્દ્રનગરના રતનપરના પરેશ ચંદ્રકાંત શાહ ઉ.66 અને સુરેન્દ્રનગરના વિવેકાનંદ સોસાયટીના આશીષ સુરેશ ભટ્ટ ઉ.48ને પકડી પાડી તેની પાસેથી 2.96 કરોડની 2.963 કિલો ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) મળી આવતા એક કાર સહિત 2.97 કરોડનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં સુરેન્દ્રનગરનો નરેન્દ્રસિંહ જાડેજા મુખ્ય સૂત્રધાર છે અને તેને બાબરાનો શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) આપી ગયો હતો.
તે બે શખ્સો સાથે રાજકોટ ગ્રાહકો શોધવા આવ્યો હતો પરંતુ પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા વ્હેલ માછલીની ઉલ્ટી એફએસએલમાં મોકલી વધું તપાસ માટે આરોપીઓને વન વિભાગને સોંપ્યા છે અગાઉ રાજકોટમાંથી અડધા કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બાબરાના શખ્સને પણ એસઓજીની ટીમે પકડી પાડી વાઈલ્ડ લાઈફ પ્રોટેક્ટ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી ત્યાં વધુ ત્રણ શખ્સોને વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ઝડપી લઇ કાર્યવાહી કરતા રાજકોટ જાણે હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.



