નેશનલ ગેમ્સ ‘36મી નેશનલ ગેમ્સ’
રાજકોટના ખેલાડીઓને વિવિધ રમત-ગમતોમાં શ્રેષ્ઠ યોગદાન આપવા મેયર પ્રદીપ ડવનો અનુરોધ
- Advertisement -
36મી નેશનલ ગેમ્સ અન્વયે રાજકોટના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય અવેરનેસ કેમ્પનો પ્રારંભ થયો હતો, જેની થીમ ‘સેલિબ્રેટિંગ યૂનિટી થ્રૂ સ્પોર્ટ્સ’ (એકતાની ઉજવણી રમતોને સંગ) નિયત કરાઈ છે.
આ પ્રસંગે મેયર પ્રદીપભાઈ ડવએ પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટના ખેલાડીઓને વિવિધ રમત-ગમતોમાં શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો તથા રાજકોટ ખાતે યોજાઈ રહેલી હોકી તથા સ્વિમિંગની સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ખેલાડીઓને શુભકામના પાઠવી હતી.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકાર્યા હતા અને નેશનલ ગેમ્સની યજમાની કરવાનો મોકો આપવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયેલી વિવિધ શેરી રમતો તથા વિસરાયેલી રમતોનું નિદર્શન મહાનુભાવોએ નિહાળ્યું હતું તથા આ રમતો રમીને બાળપણ તાજું કર્યું હતું. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ, શાળા-કોલેજોનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર તથા પુરસ્કારના ચેક આપી બહુમાન કરાયું હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, ડી.સી.પી. પ્રવીણ કુમાર મીના, પ્રાંત અધિકારી કે. જી. ચૌધરી, રમત-ગમત અધિકારી વી. પી. જાડેજા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ. પી. દિહોરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણી, વિવિધ ભવનોના વડાઓ, વિવિધ રમતોના પ્રશિક્ષકો તથા મોટી સંખ્યામાં છાત્રો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.