તા. 20, 21, 22ના ભજન, ભોજન અને ધર્મભક્તિનો સંગમ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
ઝાલાવાડના જોગી અને દુ:ખિયાના બેલી એવા પૂજ્ય જગાબાપાએ પાટડીને ધર્મભૂમિ બનાવી શિવ અને ગુરુ ભક્તિમાં લીન થઈ શાસ્ત્રોક્ત યજ્ઞ થકી લોકોના દુ:ખડા હર્યા આવા પૂજ્ય જગાબાપાની 11મી પૂણ્યતિથિ નિમિત્તે ઉદાસી આશ્રમ ખારાગોઢા રોડ પાટડી ખાતે જગદીશ્ર્વર મહાદેવનું તા. 20, 21, 22ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન, ભોજન અને ધર્મભક્તિ દ્વારા યોજાશે જેમાં ભાવિકોને લાભ લેવા ગાદીપતિ પૂજ્ય ભાવેશબાપુની સર્વ ધર્મપ્રેમી લોકોને જોડાવવાનું જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
- Advertisement -
પૂજ્ય જગાબાપાની સ્મૃતિને જીવંત રાખવા ગત પૂણ્યતિથિ એટલે કે 22-3-2023ના રોજ આશ્રમમાં જગદીશ્ર્વર મહાદેવ મંદિરના નિર્માણ માટેનો સંકલ્પ લેવાયો અને આજે એક વર્ષમાં જગદીશ્ર્વર મહાદેવ મંદિરનું કાર્ય પૂર્ણ થઈ જતાં આગામી તારીખ 20, 21, 22ના ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જેમાં ખાસ કરીને પ્રથમવાર 1111 કળશ દ્વારા પ્રતિષ્ઠાની મૂર્તિઓ ઉપર સ્નપન વિધિ થશે જે સ્નપન વિધિ અનેકવિધ ઔષધિઓને પવિત્ર જળમાં પલાળી તમામ મૂર્તિઓને અભિષેક કરાશે. જગદીશ્ર્વર મહાદેવ મંદિર ધ્વજા દંડ સહિત 108 ફૂટની ઉંચાઈ ધરાવે છે. અઢી ફૂટનું શિવલિંગ, સાડા પાંચ ફૂટના નંદી, અઢી ફૂટના કૂર્મ (કાચબા) બિરાજમાન છે. 60-80 જગ્યા પર સુશોભીત મંદિર વૈદિક પરંપરા અને ભારતીય વાસ્તુકળાનો આધાર લઈ નિર્મિત કરાયું છે. મંદિરમાં પ્રવેશતાં જ આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થાય છે ને પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ એની દિવ્યતામાં ઓર વધારો થશે.
તા. 20મીએ સવારે 8-00 વાગ્યે યજ્ઞનો શુભારંભ, 8-45 વાગ્યે પ્રાયશ્ર્ચિત વિધિ, 9-15 કલાકે પંચાંગ વિધિથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે. ત્રણે દિવસ બપોરે તથા સાંજે મહાપ્રસાદનું આયોજન છે.
તા. 21ના સવારના શોભાયાત્રા પાટડી નગરમાં ફરશે. જે શોભાયાત્રામાં કિંજલ રબારી, રવિ ખોરજ, સંજય ભાંડુ, વિપુલ સુસરા, રાયમલ પાટીવાડા, સુરેશ ડુમાણા, રાકેશ બારોટ, દિવ્યાબેન ચૌધરી, રાહુલ આંજણા, વિશાલ ઠાકોર, વિજય જોરણંગ, ગમન મેરવાડા રાસ ગરબાની કલા પ્રસ્તુત કરશે.
- Advertisement -
તા. 22મીએ પૂ. જગાબાપાની પૂણ્યતિથિ હોવાથી રાત્રે 9-00 વાગ્યાથી સંતવાણી-ડાયરો થશે, જેમાં કલાકારો કીર્તિદાન ગઢવી, દેવરાજ ગઢવી (નાનો ડેરા) બ્રિજરાજદાન ગઢવી, જીગ્નેશ બારોટ, ગમન સોયલ, વિજય સુવાળા, હકુભા ગઢવી, ઉમેશ બારોટ, સાગરદાન ગઢવી, જયવંત દવે, મેરુ રબારી, કુસા મહારાજ, દાદુભાઈ રબારી અને સાજીંદાઓ જીતુ બગડા એન્ડ ગ્રુપ, બબલુ પાનસર, એચ. વી. સાઉન્ડના સંગાથે રંગત કરશે. ત્રણેય દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય જનકભાઈ દવે તથા નયનભાઈ ભટ્ટની નિશ્રામાં વિદ્વાન પુરોહિતો દ્વારા સંપન્ન થશે.