ખાસ-ખબર સંવાદદાતા
નૈઋત્યનું ચોમાસુ 6 દિવસથી સુસ્ત થઈ બંગાળની ખાડીમાં અટક્યું! : પોરબંદર, જામનગર, ઓખા, કચ્છના તમામ બંદરોએ 60 કિ.મી. સુધી પવન ફૂંકાવાની આગાહી, સૌરાષ્ટ્રમાં વાદળો દેખાવા લાગ્યા. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર પવન, ધૂળ ઉડાડતો વંટોળિયો ફૂંકાવાની અને પર્ટીક્યુલેટ મેટર્સનું (બારીક રજકણો)નું પ્રદુષણ વધવાની આગાહી કરાઈ છે તો રાજ્યના ઉત્તરીય ભાગમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયામાં 60 કિ.મી. સુધી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને તા. 29 સુધી દરિયો નહીં ખેડવા મૌસમ વિભાગે ચેતવણી જારી કરી છે.
રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ગઈકાલથી શરૂ થવા સાથે છૂટાછવાયા સ્થળે વરસાદી ઝાપટાંનો આરંભ થયો છે અને તે સાથે તીવ્ર પવનની પણ આગાહી થઈ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, નવલખી, જામનગર, ઓખા, સલાયા અને કચ્છના જખૌ, માંડવી, મુંન્દ્રા, ન્યુ કંડલા વગેરે બંદરોએ તા.27થી 29 તોફાની પવન ફૂંકાવા આગાહી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.