ગરમીના વાતાવરણમાં વરસાદથી શાંતિ, મોસમના પહેલા વરસાદે હરખાળો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.17
- Advertisement -
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં શનિવારે રાત્રિના જોરદાર વરસાદી ઝાપટું પાડયા બાદ ગઈકાલે રવિવારે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રમઝટ બોલાવી હતી. પોરબંદર જિલ્લામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેને પગલે રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું હતું તેમજ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ધરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.રાણાવાવ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો તથા કુતિયાણા તાલુકામાં માત્ર વરસાદી ઝાપટા પડયા હતા.
પોરબંદર શહેરમાં સવારના ત્રણ કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો જેને પગલે એમ.જી રોડ, છાંયા ચોકી રોડ સહિતના મુખ્ય રસ્તા પર તો પાણી ભરાયા હતા પરંતુ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાતા સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. વીરડી પ્લોટ અને કુંભારવાડા જેવા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં આ વિસ્તારના અનેક મકાનોમાં પાણી ઘુસી જતાં લોકોની ઘરવખરીને પણ નુકશાન થયું હતું. રાણાવાવ તાલુકામાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ભોદ તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડતાં વાડી-ખેતરો પાણીથી તરબોળ બની ગયા હતા. ઘેડ પંથકના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો. જોકે કુતિયાણા તાલુકામાં માત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા.
પોરબંદરમાં વરસાદી ઝાપટાએ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી
- Advertisement -
પોરબંદરના વીરડી પ્લોટ અને કુંભારવાડા વિસ્તારમાં ભુગર્ભ ગટરમાંથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં મુશ્કેલી વધી હતી. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસવા લાગતા પાલિકાની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને જેસીબીની મદદથી ગટરો ખુલ્લી કરી અને વરસાદી પાણીનો નિકાલ કરવાનું શરૂ કર્યું હતું. પોરબંદર છાંયા નગરપાલિકાની પ્રીમોન્સુનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે