તમામ ઉમેદવારો પાસેથી માસ્ટર માઈન્ડ હિતેષ અને દેવરાજે એકંદરે રૂ. 80 લાખ ખંખેર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ક્રાઈમ બ્રાંચે એલઆરડીના બોગસ નિમણૂંક પત્રના આધારે નોકરી મેળવવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પ્રદીપ ભરત મકવાણા (રહે. જસદણ) અને બે દલાલ ભાવેશ ગોબર મકવાણા અને તેના ભાઈ બાલા (રહે.જસદણ)ને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવી લીધા છે.
આ સાથે જ ક્રાઈમ બ્રાંચે બોગસ નિમણૂંક પત્ર ખરીદનાર ઉમેદવારોને કોલ કરી જે-તે શહેર-જિલ્લાની પોલીસમાં હાજર થવાની સુચના આપનાર સીમા સવશી સાકરીયા (રહે. ચોટીલા) સહિત વધુ 4 આરોપીની પણ ધરપકડ કરી હતી. તપાસમાં ચોટીલામાં રહેતા મૂળ સાયલાના ઉમાપર ગામના દેવરાજ ઉર્ફે દેવો જગાભાઈ ગાબુ અને ચોટીલાના ગઢસીરવાણીયા ગામે રહેતા. હિતેષ રાણાભાઈ દુમાદીયા એલઆરડીના નકલી નિમણૂંક પત્રો તૈયાર કરાવી તેને ઉમેદવારની ક્ષમતા મુજબ પૈસા પડાવી વેચતા હતા. આ બંને એલઆરડીની શારીરિક કસોટીની પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોને દલાલો મારફત કે અન્ય રીતે શોધી તેમની પાસેથી રૂ. 50 હજા2થી લઈ રૂ. 4 લાખથી વધુની રકમ પડાવી હતી. આ બંને હાલ ફરાર છે અને તેમણે પોતાની પાસેના અડધો ડઝનથી વધુ મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા છે. જે ઉમેદવારોએ બોગસ નિમણૂંક પત્રો ખરીદ્યા હતા તેમને સીમા કોલ કરી કહેતી કે, ’હું ગાંધીનગર એલઆરડી ભવનથી બોલું છું, તમારે ફલાણી તારીખે, ફલાણા શહેરની પોલીસમાં હાજર થઈ જવાનું છે.’ સીમા આ કામ તેના ભાઈ સાગરના કહેવાથી કરતી હતી. જે પણ આ કૌભાંડમાં સામેલ હતો. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય.બી. જાડેજાએ સીમા ઉપરાંત તેના ભાઈ સાગર તથા બે એજન્ટ ધીરૂ ગોવિંદ ખોરાણી અને રમેશ દેવશી ઓળકીયાની ધરપકડ કરી હતી.
જસદણના શીવરાજપુર ગામનો પ્રદીપ ભરત મકવાણા એલઆરડીનો નકલી નિમણૂંક પત્ર લઈ રાજકોટ શહેર પોલીસમાં હાજર થતા તેનો ભાંડો ફૂટ્યો હતો. તેણે બે દલાલો ભાવેશ કે જે તેનો માસો છે ઉપરાંત ભાવેશના ભાઈ બાલાને રૂ. 4 લાખ આપી નકલી નિમણૂંક પત્ર મેળવ્યાની કબુલાત આપી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. એમ કહેવાય છે કે જ્યારે સીમાની ક્રાઈમ બ્રાંચે પૂછપરછ કરી ત્યારે તેના મોબાઈલ ફોનમાંથી નકલી નિમણૂંક પત્રો લેનાર ઉમેદવારોની યાદી મળી આવી હતી. જેના પરથી આ કૌભાંડ રાજયવ્યાપી હોવાનું ખુલ્યું હતું.
આ કૌભાંડમાં અત્યાર સુધીની તપાસમાં એલઆરડીના એકંદરે 28 થી 29 બોગસ નિમણૂંક પત્રો તૈયાર કરાયાનું બહાર આવ્યું છે. જેમાંથી 16 નિમણૂંક પત્રો ખરીદનાર ઉમેદવારોની યાદી ક્રાઈમ બ્રાંચને મળી છે. આ તમામ ઉમેદવારો પાસેથી માસ્ટર માઈન્ડ હિતેષ અને દેવરાજે એકંદરે રૂ. 80 લાખ ખંખેર્યા હતા. બાકીના 12 કે 13 ઉમેદવારોએ નકલી નિમણૂંક પત્રો ખરીદ્યા હતા કે કેમ તે બાબતે પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.