ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નજીક આવેલા ત્રંબા યાત્રાધામ ખાતે આજે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઋષિ પંચમીનો મેળો ઉજવાયો હતો. વહેલી સવારથી જ ત્રંબાની પવિત્ર ત્રિવેણી નદીના કિનારે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી અને શ્રદ્ધાપૂર્વક ડુબકી લગાવી પુણ્યાર્જન કર્યું હતું. હિંદુ ધર્મમાં ઋષિ પંચમીના દિવસે સ્ત્રીઓ ઉપવાસ કરી પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને પિતૃઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. એ અનુસંધાને ત્રંબાની ત્રિવેણી નદીના જળમાં હજારો મહિલાઓએ એક પછી એક ડુબકી લગાવી હતી. નદી કિનારે આવેલા પીપળા વૃક્ષને પાણી અર્પણ કરી પિતૃ મોક્ષ માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહિલાઓએ આ પ્રસંગે પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ આરતી કરી અને ભક્તિગીતો ગાઈ વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું. મેળાના પ્રસંગે ગામમાં ધાર્મિક વાતાવરણ સાથે આનંદમય માહોલ છવાયો હતો. સાંજના સમયે મહિલાઓએ પરંપરાગત રાસ-ગરબા રમતા ત્રંબાનું તીર્થસ્થળ ગુંજી ઉઠ્યું હતું. આ મેળામાં ઉપસ્થિત હજારો મહિલાઓ અને ભક્તોને ‘સથવારો ફાઉન્ડેશન’ ગુદાવાડી રાજકોટ દ્વારા ફરાળી પ્રસાદની જમણવાર અપાઈ હતી. મેળામાં દુરદુરથી ભક્તો પધાર્યા હતા અને સમગ્ર ત્રંબા ધામમાં મેળાની રોનક છવાઈ ગઈ હતી.