ખાસ-ખબર સંવાદદાતા
એમબીબીએસમાં જવા માગતા હજારો વિદ્યાર્થીઓએ 17 જુલાઇના રોજ લેવાનાર મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટને મોકૂફ કરવાની માગ કરી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓથી નીટની પરીક્ષા ખૂબ જ નજીક હોવાથી નીટ પાછી ઠેલવવામાં આવે.હજારો વિદ્યાર્થાઓ ટ્વિટર પર નીટને મોકૂફ કરવાની માગ કરી રહ્યાં છે. નીટને મોકૂફ રાખવાની માગ કરી રહેલા વિદ્યાર્થાઓએ એક ઓનલાઇન પિટીશન પણ શરૃ કરી છે જેમાં 24,000થી વધુ વિદ્યાર્થીઓએ સહી કરી છે. આ પિટીશનમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે નીટ-યુજી 2021નું કાઉન્સિલિંગ માર્ચમાં પૂર્ણ થયું છે અને 2022ની નીટ 17 જુલાઇના રોજ લેવામાં આવી રહી છે.
અમે આટલો મોટો અભ્યાસક્રમ ફક્ત ત્રણ મહિનામાં કઇ રીતે તૈયાર કરીએ? આ ઉપરાંત અન્ય પરીક્ષાઓ જેવી કે બોર્ડ એક્ઝામ, સીયુસીઇટી, જેઇઇ મેઇનની પરીક્ષા પણ નીટની આસપાસ જ લેવામાં આવનાર છે. તમે કલ્પના કરો કે વિદ્યાર્થીઓ કેટલા દબાણમાં છે. તેમને એક પછી એક પરીક્ષા આપવાની છે.ગયા વર્ષે કોરોનાની બીજી લહેરને કારણ 1 ઓગસ્ટે લેવાનારી નીટની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી અને તે 12 સપ્ટેમ્બરે લેવાનું નક્કી થયું હતું.



