તારી માએ કાંઇ શીખવાડેલ નથી, આને છોકરા પણ થતા નથી કહી અપશબ્દો બોલતા
રાજકોટની પરિણીતાને ત્રાસ આપી 10 લાખ માંગતા ઢોલરાના સાસરિયાં સામે પોલીસ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધિકાના ઢોલરા ગામે સાસરું ધરાવતી પરિણીતાને મેણાં મારી તું ગરીબની છોકરી છો, તું અમારા ઘરને લાયક નથી અને છોકરા પણ થતા નથી કહી અડધી રાતે ઘરમાંથી કાઢી મૂકનાર સાસરિયાં સામે ફરિયાદ નોંધાવાઈ છે.
- Advertisement -
શહેરના ગોકુલ પાર્કમાં રહેતા હેમાંગીબેન હૈરિકભાઇ પટોડિયાએ લોધિકાના ઢોલરા ગામે રહેતા પતિ હૈરિક, સસરા હરેશભાઇ ખોડાભાઇ પટોડિયા, સાસુ સીમાબેન, નણંદ રૂત્વિબેન વત્સલભાઇ ઘરડુસિયા, કાકાજી સસરા કિશોરભાઇ ખોડાભાઇ, કાકીજી સાસુ વર્ષાબેન, ભાભુ સુમિતાબેન જેરામભાઇ પટોડિયા અને ફઇજી સાસુ જ્યોત્સનાબેન કમલેશભાઇ કતબા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક માસથી માવતરના ઘરે રહે છે તેના લગ્ન ચાર વર્ષ પહેલાં ઢોલરા ગામે રહેતા હૈરિક સાથે થયા હતા અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોય લગ્ન બાદ સાસુ ટીવી અને પંખો ચાલુ કરી તો અવાજ આવે છે કહી બંધ કરાવી દેતા અને નાની નાની વાતમાં ટોર્ચર કરતા તેમજ સસરા કહેતા કે, લગ્ન બાદ માવતરનો મોહ નહીં રાખવાનો અને મારા સગાંસંબંધીના ઘરે જવાની વાત કરું તો ના પાડતા અને મારા પતિ સાસુ-સસરા કહે તેમજ તારે કરવું પડશે તેમ કહી ઝઘડો કરતા હતા દરમિયાન મારા કાકાજી સાથે અમારે ધંધો હોય અને અમારા ઘર પાસે જ રહેતા હોય અઠવાડિયામાં એક વાર તેના ઘરે જમવા આવતા હોય અને જમીને કહેતા કે, રસોઇ સારી બનાવી નથી અને તેની ઘરે જતા તો કાકીજીને કામમાં મદદ કરવાનું કહેતી તો તે કહેતા કે તારી માએ તને કાંઇ શીખવાડેલ નથી, તારા હાથની રસોઇ સારી બનતી નથી અને અપશબ્દો બોલી મેણાં મારતા હતા.
તેમજ ફઇજી સાસુ કહેતા કે, હૈરિક હજી તારો નથી અમારા બધાનો દીકરો છે. તું એવા વહેમમાં ન રહેતી કે મારો પતિ હું કહું તેમ કરશે અને તારા બાપને ભલે અમારે કરોડ રૂપિયા આપવા પડે અમારે છૂટું કરી નાખવું છે. જેથી પતિને વાત કરતા તેને તારે કોઇની સામે બોલવાનું થતું નથી તેમ કહેતા અને હું પણ મારા ઘરના વડીલો સામે કોઇ દિવસ બોલતો નથી. તેમજ મારા મોટા સાસુ કહેતા કે, આતો ગરીબની છોકરી છે. આપણા ઘરને લાયક નથી અને આને છોકરા પણ થતા નથી આને છૂટાછેડા આપી દે તેવું મારા પતિને કહેતા અને તારી પત્નીને છૂટાછેડા આપે એટલે તને બીજા લગ્ન કરાવી દેશું આ બધાય સાથે મળીને ત્રાસ આપતા હોય અને રાત્રીના મારી સાથે ઝઘડો કરી ઘર બહાર કાઢી મૂકી હતી. બાદમાં તેમની બાજુમાં રહેતા તેના માસીના ઘેર જઇને પિતાને ફોન કરતા તેને આવી રાજકોટ ઘરે તેડી આવ્યા હતા. સમાધાનનું કહેતા માવતરેથી રૂ.10 લાખ લઇ આવવાનું કહી ત્રાસ આપતા હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.