યુ.એન. મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટનું રિસર્ચ
લકવો અને હાર્ટ બંધ થવાનું જોખમ સ્માર્ટ ટેક્નોલોજીથી ઝડપથી શોધી અટકાવવું શક્ય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતની વસ્તીમાં અંદાજે 1 ટકા લોકો અરિથમિયા (હૃદયના અનિયમિત ધબકારા)થી પીડાય છે. માત્ર અમદાવાદમાં જ આશરે 9 લાખ લોકોમાં આ તકલીફ હોવાનો અંદાજ છે. હૃદયના ધબકારા અનિયમિત થવું લકવો અને હૃદય બંધ પડવાનું એક મોટું કારણ માનવામાં આવે છે. યુ.એન. મહેતા હોસ્પિટલના ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. કમલ શર્માએ 2018થી 2025 દરમિયાન એઆઈ આધારિત ગેજેટ્સ અંગે પ્રકાશિત 58 રિસર્ચ પેપર્સનું વિશ્લેષણ કર્યું. આ અભ્યાસના આધારે તેમણે એક્સપ્લોરીંગ ધ ફ્યુચર ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-એન્હેન્સ વેરેબલ ઇલેક્ટ્રોનિક્સ ફોર રિયલ ટાઈમ અરિથમિયા ડિટેક્શન વિષય પર રિસર્ચ તૈયાર કર્યું છે, જે ક્યુરિયસ જર્નલ ઓફ કમ્પ્યુટર સાયન્સમાં પ્રકાશિત થયું. ડો. શર્માએ જણાવ્યું હતું કે સ્માર્ટ વોચ અને સ્માર્ટ રિંગ જેવા ઉપકરણો દ્વારા 24 કલાક હૃદયના ધબકારાનું રેકોર્ડિંગ શક્ય બન્યું છે. હવે તેમાં એઆઈ ટેક્નોલોજીનું ઇન્ટિગ્રેશન થતાં ડિટેક્શન અલ્ગોરિધમ વિકસ્યાં છે, જેના કારણે ધબકારાની અનિયમિતતા તરત પકડી શકાય છે. જો ધબકારા અનિયમિત થાય તો ઉપકરણ એલાર્મ દ્વારા વપરાશકર્તાને તરત ચેતવણી આપે છે, જેના કારણે સમયસર સારવાર લઈ હાર્ટ ફેલ્યુરનું જોખમ ઘટાડી શકાય છે. રિસર્ચમાં પ્રત્યુક્ષા શર્મા, પ્રનીલ શર્મા અને પ્રકાશ સોજીત્રાએ પણ સહયોગ આપ્યો છે.



