ખાસ-ખબર સંવાદદાતા
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આગાહી કરી છે કે વર્ષ 2022નું નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રહેશે. એજન્સીનું કહેવું છે કે ચોમાસા દરમિયાન લોંગ પીર્યડ એવરેજ (એલપીએ)ના 96થી 104 ટકા વરસાદ થવાની સંભાવના છે. જૂનમાં શરૂ થતા નૈઋત્યના વરસાદની એલપીએ 881 મિ.મીટરની છે. દર વર્ષે ચોમાસુના આગમન, સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે. વર્ષે વર્ષે તેમાં ફેરફાર થતો રહે છે. પરંતુ ચાર મહિનાના ચોમાસા માટે આગાહી કરી શકાય તેવા પુર્વ લક્ષણો પણ હોય છે.
વીતેલા બે વર્ષ દરમિયાન સતત જોવા મળેલી લા નીના ઇફેક્ટ હવે ઓસરી રહી છે. તેનો અર્થ એ કે વર્ષ 2022ના ચોમાસાની શરૂઆતમાં કદાચ લા નીના ઇફેક્ટ જોવા મળશે અને તે પછી તટસ્થ બની રહેશે. આ ઉપરાંત પ્રશાંત સાગર પરના વિષવવૃત્તીય પ્રદેશમાં દરિયાઇ સપાટી તાપમાનની વિસંગતતાની સ્થિતી નબળી બની રહી છે. પ્રશાંત સાગર પરની સપાટીનું તાપમાન સામાન્ય રહેતાં સામાન્ય કે તેના કરતાં વધુ વરસાદ થવાની શક્યતા ઉભી કરે છે. પરંતુ વરસાદી મોસમમાં ભાંગફોડ સર્જાવાની શક્યતાને નકારી કાઢવામાં આવે છે.સ્કાયમેટે જણાવ્યું હતું કે હાલના તબક્કે સંબંધિત અંકકીય માહિતી શેર કરવી ખુબ વહેલી ગણાશે. પરંતુ તે અંકો પ્રાથમિક આગાહી કરવા પુરતી મહિતી પુરી પાડે છે. વર્ષ 2022ના નૈઋત્યના ચોમાસા અંગે અંકકીય માહિતીઓ સાથે વધુ સ્પષ્ટ વિષ્લેષણ એપ્રિલમાં પુરૂ પાડવામાં આવશે.