સુરતના જાણીતા બિલ્ડર અને ભરવાડ સમાજના અગ્રણી વિજયભાઇ ભરવાડે મૃતક કિશન ભરવાડની બાળકીને આજે ખોળામાં લીધી, અને તેની તમામ જવાબદારીઓ ઉપાડવાની વાત પરિવારને અને સમાજને કહેતાં હાજર તમામ લોકોએ તેમને વધાવી લીધા હતાં.
ગુજરાતના ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસના સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં અલગ -અલગ સમાજના સામાજિક અગ્રણીઓ, સંતો પણ આ મામલે દુખ વ્યક્ત કરી દાખલારૂપ કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. આ ઘટનાને પગલે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધંધૂકા જઈ પરિવારને મળીને કિશન ભરવાડની દીકરીને ખોળામાં લીધી હતી. ત્યારે કિશન ભરવાડની દીકરીને હાથમાં લેતા જ હર્ષ સંઘવી ભાવુક થઈ ગયા હતા. પ્રાર્થના સભામાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી. એ વેળા સંઘવીની સાથે રહેલા સુરતના જાણીતા બિલ્ડર અને ભરવાડ સમાજના અગ્રણી વિજયભાઇ ભરવાડ પણ ભાવુક થઇ ગયા હતાં. તેમણે આ દીકરીને પોતાની દીકરીની જેમ રાખશે અને તેની તમામ જવાબદારીઓ ઉપાડવાની વાત પરિવારને અને સમાજને કહેતાં હાજર તમામ લોકોએ તેમને વધાવી લીધા હતાં. સમાજસેવી તરીકે જાણીતા વિજયભાઇની આ દરિયાદિલી સમાજ માટે દાખલારૂપ બની છે. આ સાથે આજે તેમણે સુરતની પરંપરાને આગળ લઈ જવામાં પણ મોટો ફાળો આપ્યો છે.
- Advertisement -
કિશન ભરવાડની હત્યા પછી તેમના પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું છે. ઝેરોક્સની દુકાન ચલાવી પોતાના પરિવારનું પેટ ભરતાં તેની 20 દિવસની દીકરીનું શું થશે? આ માસુમ બાળકીનો શું વાંક ?? ત્યારે એક દાખલારૂપ અને આ સંકટના સમયે ભરવાડ સમાજના આ મોભી આગળ આવ્યા અને તેમણે આ માસુમ દીકરીની તમામ જવાબદારી ઉપાડી દીધી છે. કિશનની દીકરીના શિક્ષણથી લઈને લગ્ન સુધીને તમામ જવાબદારી ભરવાડ સમાજના દાનવીર વિજયભાઈ ભરવાડે સ્વીકારી છે.
હર્ષ સંઘવીની મુલાકાત વખતે તેઓ પણ જાતે હાજર હતા. હાલ, સુરતમાં રિયાલિટી સેકટર સાથે સંકળાયેલા વિજયભાઈ ભરવાડની આ કામગીરીને માલધારી સમાજે બિરદાવી હતી. હર્ષ સંઘવીએ પણ તેમના વખાણ કર્યા હતા. સોશ્યલ મીડિયા પર પણ લોકો તેમને શાબાશી આપી રહ્યા છે. ખરા સંકટના સમયમાં સમાજના નાનામાં- નાના માણસો સાથે ઉભા રહેવા માટે બદલ સમાજ તરફથી ઋણ અદા કરી રહ્યા છે.


