ઘેડ વિસ્તારના પાદરડી ગામે છેલ્લા બે વર્ષથી તૂટેલા પુલના લીધે ખેડૂતો મજબુર
પુલનો અભાવ, જિંદગી જોખમમાં: ઘેડ વિસ્તારના ખેડૂતોની વ્યથા
ઘેડની વેદનાને વાચા આપવા આપ નેતા પ્રવીણ રામની પદયાત્રા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારોની હાલત અત્યંત ગંભીર છે. જેમાં ખેડૂતોની હાલત વધુ ગંભીર બને છે. પ્રતિ વર્ષ ચોમાસુ આવે એટલે ખેતી પાકને ભારે નુકશાન સાથે જમીનોનું ધોવાણ સહીત અનેક યાતનાઓ ખેડૂતો ભોગવી રહ્યા છે. હાલ સરકારે ઘેડની સમસ્યા બાબતે એક રોડ મેપ તૈયાર કર્યો છે. જેમાં કરોડોના ખર્ચે આ પ્રોજેકટ ઉપર કામ ચાલી રહ્યું છે. પણ જયારે ખરા અર્થમાં ત્યારેજ ખબર પડશે કે, જયારે કામગીરી પૂર્ણ થાય અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની સમસ્યાનું સમાધાન થાય હાલ તો ખેડૂતો ગંભીર સમસ્યાનો સામનો કરતા હોઈ તેવા દ્રશ્યો જોવા મળે છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ઘેડ વિસ્તારની પીડા અને વાસ્તવિક પરિસ્થિતિને ઉજાગર કરવા માટે 14 દિવસની પદયાત્રા કરી રહ્યા છે. આ પદયાત્રાના 11મા દિવસે તેમણે પાદરડી ગામે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે, જ્યાં તેમણે તંત્ર અને ભાજપ સરકારની બેદરકારીને ખુલ્લી પાડી છે. પાદરડી ગામે નદી પરનો પુલ બે વર્ષ પહેલાં તૂટી ગયો હતો, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો કરવા છતાં, કોઈ અધિકારી કે ભાજપના નેતાએ આ પુલને રિપેર કરવા માટે ધ્યાન આપ્યું નથી. આના કારણે, ખેડૂતોએ મજબૂરીમાં નદી પાર કરવા માટે નદીના બંને કિનારે વાયર બાંધીને તેના પર ટાયર લટકાવીને જીવના જોખમે નદી પાર કરવી પડે છે. મહિલાઓ અને બાળકોને પણ આ જ રીતે ઘાસચારાની ભારીઓ સાથે નદી પસાર કરવી પડે છે. પાદરડીના ગ્રામજનોએ આપના નેતાઓને જણાવ્યું કે પુલ તૂટ્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના અધિકારીઓ કે નેતાઓએ કોઈ ધ્યાન આપ્યું નથી. જે ખેડૂતોના ખેતરો નદીના સામેના કાંઠે આવેલા છે, તેમણે નદી પરના વૃક્ષો સાથે વાયર બાંધી તેમાં ટાયર લટકાવીને જીવના જોખમે નદી પાર કરવી પડે છે. આ જ રીતે થોડા સમય પહેલાં એક વૃદ્ધ ખેડૂતનું પડી જવાથી મૃત્યુ પણ થયું હતું. આ પરિસ્થિતિને જોતા આપના નેતા પ્રવીણ રામે જણાવ્યું કે જો ખેડૂતો આ જોખમ ન લે તો તેમને ખેતરે જવા માટે ઓસા-ઘેડ ગામ થઈને લાંબો રસ્તો કાપવો પડે છે. તેમણે સરકારના ’વિકાસ મોડેલ’ પર પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ કહેવાતા વિકસિત ગુજરાતની આ હાલત અત્યંત ચિંતાજનક છે.
આપ નેતાની જવાબદાર અધિકરીઓને ચેતવણી
આ અંગે જાણ થતાં જ પ્રવીણ રામ સીધા તે સ્થળ પર પહોંચ્યા અને પોતે પણ જીવના જોખમે ટાયર પર બેસીને નદી પાર કરી હતી. આ ઘટનાને જોતા તેમણે અધિકારીઓ અને ભાજપના નેતાઓને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે “દેશ આઝાદ થયાને આટલા વર્ષો વીત્યા પછી પણ ગુજરાતની આ હાલત છે. આ છે ગુજરાતનું ’વિકાસ મોડેલ’.”પ્રવીણ રામે તંત્રને તાત્કાલિક આ પુલનું કામ શરૂ કરવા માટે ચીમકી આપી છે. તેમણે ચેતવણી આપી છે કે જો ખેડૂતોને નદી પાર કરતી વખતે કંઈ પણ થયું તો જવાબદાર અધિકારીઓને કોર્ટમાં ઢસડી જવામાં આવશે અને તેમની ઓફિસે જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.



