નેતન્યાહૂએ કહ્યું હતું કે, યુદ્ધ સમાપ્ત થયા પછી તેમનો દેશ “અનિશ્ચિત સમયગાળા” માટે ગાઝામાં ‘સમગ્ર સુરક્ષા જવાબદારી’ સંભાળશે, હવે આ મામલે અમેરિકાએ આપી ચેતવણી
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું માનવું છે કે, ઈઝરાયલી દળોએ ગાઝા પર ફરીથી કબજો ન કરવો જોઈએ અને તે તેમના માટે સારું રહેશે નહીં. વાસ્તવમાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાજેતરમાં કહ્યું હતું કે, યુદ્ધ સમાપ્ત થયા પછી તેમનો દેશ “અનિશ્ચિત સમયગાળા” માટે ગાઝામાં ‘સમગ્ર સુરક્ષા જવાબદારી’ સંભાળશે.
- Advertisement -
વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું, રાષ્ટ્રપતિ સતત માને છે કે, ઇઝરાયલી દળો માટે ગાઝા પર ફરીથી કબજો કરવો એ સારો વિચાર નથી. આ ઇઝરાયેલ માટે સારું રહેશે નહિ, તે ઇઝરાયલના લોકો માટે સારું નહીં હોય. તેમણે કહ્યું, મંત્રી (એન્ટની) બ્લિંકન પ્રદેશમાં જે મંત્રણા કરી રહ્યા છે તેમાંથી એક એ છે કે સંઘર્ષ પછી ગાઝાની સ્થિતિ શું હશે? ગાઝામાં શાસન કેવું દેખાશે? કારણ કે ગમે તે થાય તે 6 ઓક્ટોબરના રોજ જેવું હતું તેવું બની શકે નહીં.
જાણો શું કહ્યું ઇઝરાયલે ?
અમેરિકાની આ ચેતવણી નેતન્યાહુ દ્વારા સોમવારે આપવામાં આવેલા નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, ગાઝા પર ‘જે લોકો હમાસના માર્ગ પર આગળ વધવા નથી માંગતા’ તેમના દ્વારા શાસન કરવું જોઈએ. એક ખાનગી ન્યૂઝ સાથે વાત કરતી વખતે તેમણે એમ પણ કહ્યું, મને લાગે છે કે, ઇઝરાયેલ પાસે એકંદર સુરક્ષા જવાબદારી અનિશ્ચિત સમય સુધી રહેશે, કારણ કે અમે જોયું છે કે જ્યારે અમારી પાસે તે ન હોય ત્યારે શું થાય છે.
અમેરિકાએ શું આપી ચેતવણી ?
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને પણ ગયા મહિને કહ્યું હતું કે, ગાઝા પર કબજો કરવો ઇઝરાયેલ માટે ‘મોટી ભૂલ’ હશે. આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે એક મહિનાના યુદ્ધ બાદ અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે અંતર વધી રહ્યું છે. ગયા અઠવાડિયે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકને ઇઝરાયેલીઓ પર ‘માનવતાવાદી વિરામ’ માટે દબાણ કર્યું હતું જેથી બંધકો અને નાગરિકોને ગાઝા છોડવા અને પેલેસ્ટિનીઓને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે મંગળવારે કહ્યું કે, યુદ્ધ સમાપ્ત થયા પછી ઇઝરાયેલ ‘ગાઝા પટ્ટીમાં કોઈપણ પરિસ્થિતિનો જવાબ આપવા માટે કાર્યવાહીની સંપૂર્ણ સ્વતંત્રતા જાળવી રાખશે’.