પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
શાંતિનું મહત્વ સમજવા માટે પણ યુદ્ધ જરૂરી છે.
- Advertisement -
આની પહેલા મ્યુનિક ફિલ્મ વિશે વાત કરી ત્યારે વધુ ચર્ચા કરવાનું ટાળ્યું હતું. વધુ વાતો કરવા કરતાં ફિલ્મ જોઈને વધારે ખબર પડે પણ હમણાં એક ઘટના ઘટી કે જેના લીધે આ અદભુત ફિલ્મ વિશે આગળ લખવાનું મન થયું. આપણા ભારતની એક યુટ્યુબર નામે જ્યોતિ મલ્હોત્રા પર આરોપ મૂકાયો કે તે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIને આપણી સેનાની ખાનગી માહિતી પૂરી પાડે છે. તાજેતરની માહિતી મુજબ તેણે પોતાના બધા ગુના કબૂલી લીધા છે. હવે આની પહેલા આગળના લેખમાં જેનો અછડતો ઉલ્લેખ કર્યો એ મુખબિર કે ઇન્ફોર્મર કે ખબરીના પાત્રની વાત કરીએ. મેથ્યુ અમેલરીકે ગજ્જબનાક અદાકારીથી ભજવેલા તે પાત્રનું નામ હોય છે લૂઈ. પછી ખબર પડે કે આ અલગ દેશોને માહિતી પહોંચાડવાનો કારોબાર તેના પપ્પાએ શરૂ કરેલો હોય છે. તેના ઘર વિશે સામાન્ય ખ્યાલ એવો હોય કે કોઈ ગુપ્ત જગ્યાએ ઘણીબધી સુરક્ષા સાથે તે હોવું જોઈએ પણ તેના બદલે એક સામાન્ય ઘર જોવા મળે કે જ્યાં તેના પપ્પા અને આખો પરિવાર શાંતિથી રહેતા હોય છે. તેમની વફાદારી કોઈ દેશ લે સરકાર પ્રત્યે હોતી નથી. જે પૈસા આપે અને વધુ પૈસા આપે તે તેમના માલિક. આ જોઈને માને ધર્મવીર ભારતીના નાટક ‘અંધા યુગ’ના બે પ્રહરીઓના પાત્ર યાદ આવી ગયા. ખરેખર પ્રહરી એટલે? અંગ્રેજીમાં કહીએ વોચમેન જે નજર રાખવાનું કામ કરે. અહીં આ બે પ્રહરી એવા જ છે. તેમને માત્ર પોતાના કામથી જ મતલબ છે. કોણ જીતે અને કોણ હરે એ વાતથી સાવ ઉદાસીન એવા એ કહે છે :
હમને મર્યાદા કા અતિક્રમણ નહીં કિયા, ક્યોંકિ નહિ થી આપણી કોઈ ભી મર્યાદા
હમકો અનાસ્થાને કભી ભી નહિ ઝકઝોરા ક્યોંકિ નહિ થી આપણી કોઈ ભી આસ્થા
આ પ્રકારના લોકો કે આવું કામ કરનારી એજન્સીઓની નિષ્ઠા તો કોઈપણ પ્રત્યે ન હોય. લૂઈ એક ડાઈલોગ બોલે છે કે we are ideologically promiscuous. અને તે વાત ફિલ્મમાં તેના પાત્ર દ્વારા પડઘાતી રહે છે. ફિલ્મમાં તેના સિવાય પણ ઘણી બધી એવી વાતો છે કે કે ડિરેક્ટરે સ્પૂન ફીડિંગ કર્યા વગર મૂકી દીધી છે કે જે આપણે સમજવાની હોય પ્રેક્ષક તરીકે. દાખલા તરીકે જ્યારે હીરો આવનેર પોતાના મિશન માટે તેના ઉપરી એવા ઈફરાહિમ(જ્યોફરી રશ)ને મળે ત્યારે ત્યાંનો હિસાબનીશ તેને પોતાની જવાબદારીનું ભાન કરાવવા ખખડાવી નાંખે છે અને તેને સ્પષ્ટ આદેશ આપે છે કે આ મિશન દરમિયાન તે જે કઈંપણ ખર્ચો કરે તેની તેણે રિસીપ્ટ (સાચો ઉચ્ચાર: રિસીટ) આપવાની. હવે જાણે કે અજાણે પણ ડિરેક્ટરે યહૂદી પ્રજાની અમુક હદ સુધી જે વૈશ્વિક સ્તરે કંજૂસ તરીકેની જે છાપ જે તેનો અછડતો ચિતાર આપી દીધો. તે સમયે તે મહેતાજી કે મુનિમજી કે તે આવનેરને પૂછે કે તું જફબફિ તો નથી? હવે આ સાબર એટલે શું? તો કે ઇઝરાયેલની ધરતી પર જન્મેલા હોય તે બધા યહૂદીઓ જફબફિ કહેવાય છે. તેના જવાબમાં આવનેર કહે કે તેનો જન્મ તો ઇઝરાયેલમાં થયો હતો. લપલપિયા કાચબા જેવા મહેતાજી તેને પાછો ચિડવે કે ભાઈ તો તમારા દાદાજી ક્યાંના હતા તો જવાબ મળે કે તે ફ્રાંકફર્ટ(જર્મની)ના હોય છે. હવે એ મહેતાજીને આવનેરને ખીજવવા બહાનું મળી જાય છે. તે આવનેરને કહે કે તો તું ‘Yekke’ છો. Yekkeનો મતલબ થાય જર્મનીમાં રહેતા યહૂદીઑ કે જે તેમના ધર્મના રીતિરિવાજ બરોબર પાળતા નથી અને જેમને હિબ્રૂભાષા આવડતી નથી. આ યહૂદીઓને ઇઝરાયેલમાં વસ્યા બાદ નીચી નજરથી જોવામાં આવતા.
- Advertisement -
બધા સાથીઓ મિશન શરૂ કરે તે પહેલા આવનેર તેમને દાતણ જેવી સળીઓ આપે છે અને બધા તેને ખાય છે. આ યહૂદીઓની પરંપરા હોય છે. મિશન શરૂ તો કર્યું હોય આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાના આશયથી પણ પછી એ પ્રતીતિ પણ થાય છે કે આનો કોઈ અંત નથી. રકતબીજ રાક્ષસની જેમ એકને મારશો તો તેની બદલે બીજા કેટલાય પેદા થઈ જશે. અંતે, આવનેર અને તેના સાથીઓને પણ મહાભારતને અંતે યુધિષ્ઠિરને અનુભવાતો નિર્લેપભાવ ઘેરી વળે છે. વળી, એક જાસૂસ પોતાના દેશ માટે જીવની બાજી લગાવે તો ક્રેડિટ તો ઠીક પણ તને પોતાના દેશમાં રહેવામાં પણ સલામતી ન લાગે એ હળાહળના ઘૂંટ જેવી જિંદગીનો પણ ઈશારો સ્પીલબર્ગે કર્યો છે. આશય ન હોવા છતાં અમુકવાર નિર્દોષો પણ આ મિશનમાં બલિ ચડી જતાં આવનેરને અનુભવાતો વિષાદ પણ ઉલ્લેખનીય છે.
ફિલ્મનો ક્લાયમેક્સ સાચા અર્થમાં આખી ફિલ્મનું શીર્ષ છે. જાસૂસી ફિલ્મમાં જોવા મળે એવો નાટકીય કે મારામારીથી ભરપૂર અંત અહી નથી. રાધર, તેના બદલે જહાલવાદી દ/ત મવાળવાદી, ઉદાર દ/ત ઉગ્ર, ડાબેરી દ/ત જમણેરી એવો દ્વંદ્વ ડિરેક્ટરે આવનેર અને ઈફરાહિમ વચ્ચેના સંવાદ દ્વારા દર્શાવીઓ છે. ઈફરાહિમ આવનેરને ઇઝરાયેલમાં વસવા સલાહ કરે છે તો આવનેર ચોખ્ખો નનૈયો ભણે છે. સામે આવનેર તેને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપે છે કે જેણે તે અંગ્રેજીમાં કહે છે: To break the bread. આનો ગર્ભિત અર્થ એમ થાય શાંતિ માટેનો પ્રસ્તાવ મૂકવો પણ સામે ઈફરાહિમ પણ તને સ્પષ્ટ મનાઈ કરી ડે છે જાણે કે એમ સૂચવતો હોય કે ગમે એટલી હિંસા કે રક્તપાત થાય પણ હવે આ લડાઈમાં નમતું મૂકવાનું થતું નથી!
પૂર્ણાહુતિ:
નરકમાં સૌથી ભયંકર અગ્નિ એ લોકો માટે રાખવામાં આવેલો છે કે જે કટોકટીના સમયમાં પણ તટસ્થ રહવાનું પસંદ કરે છે.
( શીર્ષક પંક્તિ: મૂળ આપણા ગુજરાતનો યુવાન સમીર દત્તાણી જેમાં હીરો તરીકે ચમકેલો એ મહા અંડરરેટેડ ફિલ્મ ‘મુખબિર’નો મણિ શંકરે લખેલો એક ડાયલોગ)