એક વડીલે પોતાની મમ્મીના એક મેસેજને અજાણ્યા લોકો સુધી પહોંચાડવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે.
એક વડીલે પોતાની મમ્મીના એક મેસેજને અજાણ્યા લોકો સુધી પહોંચાડવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. આ વડીલની સ્ટોરી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. વાસ્તવમાં આ વડીલ અજાણ્યા લોકોમાં રૂપિયા વહેંચી રહ્યા છે અને તેમની પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓ તમામ ‘પ્રેમનો મેસેજ’ ફેલાવશે.
- Advertisement -
આ વડીલ વ્યક્તિએ આ મેસેજ ફેલાવવા માટે અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. તેઓ વાસ્તવમાં તેમની મમ્મીના ‘અંતિમ મેસેજ’ માટે આમ કરી રહ્યા છે, કેમ કે તેમની મમ્મીએ અંતિમ શ્વાસ લેતી વખતે કહ્યું હતું, ‘દરેકને પ્રેમ કરો.’
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના ઇલેક્શન કૅમ્પેન દરમ્યાન પ્રવક્તા તરીકે કામ કરી ચૂકેલા કેવિન કેટ નામના એક ટ્વિટર-યુઝરે આ વડીલની વાત 9 જુલાઈએ શૅર કરી હતી. તેમણે પોતાની ટ્વીટમાં આ વ્યક્તિનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટોગ્રાફ સાથે કૅપ્શન લખવામાં આવી હતી, ‘રવિવારે આ વડીલ રેસ્ટોરાંના એક ટેબલ પર બેઠા હતા. તેમની પાસે કૅશ અને કાગળના ટુકડા હતા. કાગળના આ ટુકડા પર લખવામાં આવ્યું હતું, ‘દરેકને પ્રેમ કરો.’
જ્યારે કેવિને આ વડીલને પૂછ્યું કે ‘તમે આ ડૉલરનું શું કરો છો?’ ત્યારે તેમણે કહ્યું કે ‘હું લોકોને એક ડૉલર (લગભગ 79 રૂપિયા)થી લઈને પાંચ ડૉલર (લગભગ 396 રૂપિયા) સુધી આપું છું. ૨૦૧૪થી હું આમ કરી રહ્યો છું. હું અમેરિકન સ્ટેટ ફ્લૉરિડાની એક રેસ્ટોરાંમાં આ રીતે સહાય કરી રહ્યો છું.’