ભગવાન વિષ્ણુને સમર્પિત દુનિયાનું સૌથી ધનાઢ્ય શ્રી પદ્મનાભ સ્વામી મંદિર તિરુવનંતપુરમમાં આવેલું છે
ભારતનાં કેટલાક શ્રેષ્ઠત્તમ મંદિરો કેરળમાં સ્થિત છે. અહીંના મંદિરો બેજોડ છે, બેનમૂન છે, અદભુત છે, ઐતિહાસિક છે. કેરળના કેટલાય મંદિરો અઢી-ત્રણ હજાર વર્ષ જૂનાં છે. એવાં અનેક મંદિરો છે જેનો ઉલ્લેખ એકાધિક પુરાણોમાં તથા શ્ર્લોકો અને મંત્રોમાં મળે છે. ઈતિહાસની વાત કરીએ તો ફક્ત મંદિર જ નહીં ભારતનું સૌપ્રથમ ચર્ચ કેરળમાં બન્યું, પ્રથમ યુરોપિયન ચર્ચ પણ કેરળમાં નિર્માણ પામ્યું, ભારતની પ્રથમ મસ્જિદ અહીં બની અને દેશનું પ્રથમ સિનેગોગ (યહૂદીઓનું મંદિર) પણ અહીંયા જ બન્યું! આટલું ધાર્મિક વૈવિધ્ય ભારતના અન્ય કોઈ જ રાજ્યમાં જોવા ન મળે. કેરળ ‘ઈશ્વરની પોતાની ભૂમિ’ કહેવાઈ છે, સ્વાભાવિક છે કે, ઈશ્વરના પોતાના દેશમાં ઈશ્વરના મંદિરો તો અલૌકિક જ હોય.
હવે આ મંદિર, મસ્જિદ, ચર્ચની વાત કરી એટલે એવું ન સમજવું કે કેરળના લોકો અંધશ્રદ્ધાળુ છે અથવા વધુ પડતા ભક્તિવાન હોય દિવસ-રાત પોતપોતાના ઈશ્વરમાં જ રચ્યાપચ્યા રહે છે. હકીકતમાં કેરળ અનેક બાબતે આગળ પડતું છે. 1933માં ત્રિવેન્દ્રમ દેશનું પ્રથમ એવું નગર બન્યું હતું જ્યાં ઘેર-ઘેર વીજળી પહોંચી હોય. કોચીન ઍરપોર્ટ માત્ર દેશનું નહીં, સમગ્ર દુનિયાનું પ્રથમ ‘સોલાર ઍરપોર્ટ’ છે. જરૂરિયાતની તમામ વીજળી એ સૂર્યઊર્જા થકી મેળવે છે. હિન્દુસ્તાનની સૌપ્રથમ વોટર મેટ્રો કોચીનમાં છે. તમે કેરળ જશો એટલે જાણવા મળશે કે અહીં પાંચ-પચાસ રૂપિયા જેવી મામૂલી રકમની લેતીદેતી પણ રોકડમાં થતી નથી. દસ રૂપિયાની ચા-કોફી પીવી હોય તો તેના પૈસા પણ ઓનલાઈન જ ચૂકવવા પડે. નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા સૌથી વધુ લોકો કેરળમાં છે. દેશનું સૌથી મોટું સરોવરથી લઈ દક્ષિણનું સૌથી ઊંચું શિખર, સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રીય ઉદ્યાન, ચા-કોફી, મસાલાની ખેતીથી લઈ ખાનપાન તેમજ શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, સૌદર્ય અને સ્વચ્છતા જેવી અઢળક બાબતોમાં કેરળ એક કેસ સ્ટડી છે. કેરળના તિરુવનંતપુરમમાં આવેલું શ્રી પદ્મનાભ સ્વામી મંદિર જ જોઈ જાણી લો.
- Advertisement -
તિરુવનંતપુરમ નજીક આવેલા કોવલમ અને પુવારમાં બીચથી લઈ બેકવોટરની મજા માણી શકાય છે
કોવલમના અઝીમાલા બીચ પર આવેલું અઝીમાલા શિવ મંદિર અદભુત છે. અરબી સમુદ્ર કિનારે સ્થિત ભગવાન શિવની વિશાળ પ્રતિમા ધરાવતો આ બીચ શાંતિથી આરામ કરવા માટે સરસ મજાનો છે
‘તિરુવનંતપુરમ’નો અર્થ ‘અનંતનું પવિત્ર નગર’ થાય છે. એવું માનવામાં આવે છે કે, તિરુવનંતપુરમ નામ ભગવાન વિષ્ણુના ’અનંત’ નામના નાગ પરથી રાખવામાં આવ્યું છે. કેરળના તિરુવનંતપુરમમાં ભગવાન વિષ્ણુને સમર્પિત શ્રી પદ્મનાભ સ્વામી મંદિર છે, જે તેના ખજાના – સંપત્તિને લઈ આખી દુનિયામાં સૌથી વધુ ધનવાન મંદિર તરીકે જાણીતું છે. અહીં ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન મુદ્રામાં વિરાજીત છે. શ્રી વિષ્ણુની મૂર્તિ ‘અનંતશયન’ નામની યોગમુદ્રામાં છે. એવું કહેવાઈ છે કે, આ મંદિરની સ્થાપના 5000 વર્ષ પહેલાં કળિયુગના પ્રથમ દિવસે થઈ હતી. ત્યારબાદ 1753માં ત્રાવનકોરના રાજા માર્તંડ વર્માએ તેનું નવનિર્માણ કરાવ્યું હતું. અહીં ભગવાન વિષ્ણુનો શ્રૃંગાર શુદ્ધ સોનાના આભૂષણોથી કરવામાં આવે છે. મંદિરમાં મુખ્ય કક્ષ જ્યાં વિષ્ણુ ભગવાનની સૂતેલી મુદ્રામાં મૂર્તિ છે, ત્યાં અનેક દીવાઓ પ્રગટેલાં રહે છે, આ દીવાઓના અજવાળામાં જ ભગવાનના દર્શન થાય છે. મૂર્તિના દર્શન માટે ત્રણ નાનાં-નાનાં દરવાજા છે. પ્રથમ દરવાજામાંથી જોઈએ તો ભગવાન વિષ્ણુનો હાથ અને શિવલિંગના દર્શન થાય, બીજા દરવાજામાંથી નાભિ, કમળ, બ્રહ્માનાં અને ત્રીજા દ્વારમાંથી ભૂદેવી અને ઋષિ માર્કંડેયની મૂર્તિના દર્શન થાય. મંદિરનું સુવર્ણ જડિત ગોપુરમ સાત માળનું, 35 મીટર ઊંચું છે. અનેક એકરમાં ફેલાયેલા આ મંદિરમાં સૂક્ષ્મ કારીગરી તેમજ વાસ્તુકલા જોવા મળે છે. આ મંદિરમાં સાત ભોંયરા બન્યા છે. હિન્દુ ધર્મના અનેક ગ્રંથોમાં, પુરાણોમાં શ્રી પદ્મનાભ સ્વામી મંદિરનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. શ્રી પદ્મનાભ સ્વામી ત્રાવણકોરના રાજ્યપરિવારના આરાધ્યદેવ છે. આ મંદિરથી સોએક મીટર દૂર આવેલો ત્રાવણકોર (ત્રિવેન્દ્રમનું જૂનું નામ) રજવાડાંના પેલેસમાં બનેલું મ્યુઝિયમ જોઈએ ત્યાં જ આંખો પહોળી થઈ જાય. શ્રી પદ્મનાભ સ્વામી મંદિરમાં પુરુષને માત્ર ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે અને મહિલાઓને સાડી અથવા ડ્રેસ પહેરવા અનિવાર્ય છે.
તિરુવનંતપુરમમાં શ્રી પદ્મનાભ સ્વામી મંદિર અને તેની પાસે આવેલા મ્યુઝિયમ બાદ પ્રાણી સંગ્રહાલય સાથે શહેરની મુખ્ય બજારની મુલાકાત લેવા જેવી. આ સિવાય તિરુવનંતપુરમ અને આસપાસમાં કોવલમ બીચ, પુવાર ટાપુ અને સ્થાનિક મ્યુઝિયમ તથા ચર્ચ પણ જોવા જવું. તિરુવનંતપુરમ અને આસપાસના વિસ્તારોમાંથી જ તમને ઓરીજીનલ કેરળનો પ્રખ્યાત હલવો, વિધવિધ અથાણા, ડ્રાયફ્રુટ, કોકોનેટ ઓઈલમાંથી બનેલી બેસ્ટ બનાના વેફર્સ મળી રહેશે. આ જગ્યાઓ પર ફ્રેશ બેકરી આઈટમ પણ ટેસ્ટ કરવાનું ચૂકવું નહીં.
કોવલમ તિરુવનંતપુરમથી લગભગ પંદરેક કિમી દૂર આવેલું મસ્તમજાનું સ્થળ છે, તેથી તમે તિરુવનંતપુરમના સ્થળોની મુલાકાત લેવા માટે કોવલમમાં રોકાઈ શકો છો અથવા તિરુવનંતપુરમથી કોવલમ સુધી એક દિવસની સફર કરી શકો છો. કોવલમના બીચ બ્યુટીફૂલ છે. આ બીચ પર આવેલા લાઇટહાઉસ (દિવાદાંડી) પર ચઢી અફાટ સમુદ્ધ નિહાળી શકો છો. આ ઉપરાંત કોવલમના અઝીમાલા બીચ પર આવેલું અઝીમાલા શિવ મંદિર અદભુત છે. અરબી સમુદ્ર કિનારે સ્થિત ભગવાન શિવની વિશાળ પ્રતિમા ધરાવતો આ બીચ શાંતિથી આરામ કરવા માટે સરસ મજાનો છે.
કોવલમથી થોડા કિલોમીટર દૂર આવેલા પુવાર ટાપુ આસપાસ નેપ્યાર નદી અને અરબ સાગર મળે છે, અહીં બેકવોટરમાં બોટ સવારી કરી શકાય છે. આ એક અનોખું સ્થળ છે જ્યાં ફક્ત હોડી દ્વારા જ પહોંચી શકાય છે. આ જગ્યાને “ફૂલોની નદી” તરીકે પણ ઓળખવામાં આવે છે. એલ્લેપ્પીમાં બેકવોટર એડવેન્ચર એક્ટિવિટી બાકી રહી ગઈ હોય અથવા એલ્લેપ્પી ગયા વિના બોટમાં બેસી મેંગ્રોવના જંગલોમાં વિહરતા વિહરતા બેકવોટર એડવેન્ચર એક્ટિવિટીનો એક્સપિરિયન્સ પુવારમાં પણ લઈ શકાય છે. તિરુવનંતપુરમ આવ્યા હોય અને સમય-સંજોગ આપણા પક્ષમાં હોય તો અહીંથી ભારતમાં દક્ષિણ છેડે આવેલું ક્ધયાકુમારી આશરે સોએક કિલોમીટર જ દૂર છે ત્યાં પણ જઈ શકાય છે અને હા, કેરળમાં જ ઘૂમવું હોય તો વાયનાડ પણ સારું સ્થળ છે. કોચીનમાં કેટલીક જગ્યાઓ પર અચૂક જવા જેવું છે. કેરળની યાત્રા લંબાવી તમિલનાડુના ઉટી, કોડાઈકનાલ, મદુરાઈ, રામેશ્વરમ વગેરે સ્થળોની મુલાકાત લઈ શકો છો. કેરળ યાત્રા દરમિયાન તિરુવનંતપુરમ પાસે આવેલા જટાયું અર્થ સેન્ટરથી લઈ એલ્લેપ્પી, મુન્નાર, થેક્કડી થઈ અંતમાં તિરુવનંતપુરમ અને તેની પાસે જ આવેલા કોવલમ અને પુવાર વિશે જાણ્યું-સમજ્યું. હવે આ બધું જ પ્રત્યક્ષ અનુભવવું હોય તો નવેમ્બરથી લઈ ફેબ્રુઆરીનો સમયગાળો કેરળની મુલાકાત માટે મસ્ત ગણાય છે. આપ પણ કેરળની એક યાદગાર યાત્રા કરી કુદરતના કરિશ્માની અનુભૂતિ લઈ શકો.



