લોર્ડઝમાં કુલ 19 ટેસ્ટ રમાયા છે, ભારતે 3 અને ઇંગ્લેન્ડે 12 ટેસ્ટ જીત્યા છે, 4 ટેસ્ટ ડ્રો : કોહલી, ધોની અને કપિલદેવે ટેસ્ટ જીત્યા છે
ટેસ્ટ અને વન-ડેમાં બેવડી સદી ફટકારનાર શુભમન ગિલ-પાંચમો ખેલાડી: વિદેશની ધરતી પર સૌથી નાની ઉંમરનો ભારતીય સુકાની
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી લોર્ડઝના મેદાન પર ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચનો શુભારંભ થવા જઇ રહ્યો છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ ભારતે 5 વિકેટે ગુમાવ્યા બાદ એજબેસ્ટન ટેસ્ટમાં ભારતે 336 રને શાનદાર વિજય પ્રાપ્ત કરીને શ્રેણીને 1-1થી બરોબરી પર લાવી છે. જયાં ભારતને 58 વર્ષોમાં એક પણ વિજય નસીબ થયો ન હતો. ત્યાં ભારતે ઇતિહાસ રચી દીધો.આ અગાઉ ભારતે અહીં 8 ટેસ્ટ મેચો રમી હતી જેમાંથી 7માં પરાજીત થયું હતું. માત્ર 1 ટેસ્ટ ડ્રો થઇ હતી. 1967થી 2022 સુધી આ મેદાન ભારત માટે કમનસીબ સાબિત થતું રહ્યું હતું પરંતુ હવે આ મેદાન ગૌરવનું પ્રતિક બની રહ્યું.આ વિજય સાથે ભારતે એ સાબિત કર્યુ છે કે, તે ટીમ કોઇ પણ મેદાન પર કોઇ પણ પરિસ્થિતિમાં અને ગમે તે ટીમ સામે વિજય મેળવી શકવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવતી ટીમ બની ચુકી છે. આ વિજય સાથે લોર્ડઝમાં ભારતના વિજયની સંભાવના પણ વધારી દીધી છે કારણ કે તે ટેસ્ટમાં જસપ્રિત બુમરાહ ટીમમાં પરત ફરશે.મોહમ્મદ સિરાઝનું ફોર્મ, આકાશદીપની ધુંઆધાર ગોલંદાજી અને બુમરાહનું પરત થવું ભારતનું ઝડપી ગોલંદાજી આક્રમણ વધુ સ્ટ્રોંગ થઇ જશે. આ ટેસ્ટમાં આકાશદીપે 10 તથા સિરાઝે 6 વિકેટો ઝડપીને ઇંગ્લીશ બેટધરોને ધ્રુજાવી નાખ્યા હતા. અલબત પ્રથમ દાવમાં છઠ્ઠી વિકેટથી 303 રનની ભાગીદારી ભારતના વિજય માટે થોડી મુશ્કેલ જણાતી હતી. પરંતુ આકાશદીપે બધુ બરાબર કરી નાખ્યું.ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં જસપ્રિત બુમરાહની શાનદાર ગોલંદાજી ઉપરાંત પાંચ-પાંચ સદીની ઘટના નોંધાઇ હોવા છતાં ભારત ફિલ્ડીંગની નબળાઇને પરિણામે તથા છેલ્લા દિવસે ગોલંદાજોની નિષ્ફળતા ભારતના પરાજય માટે નિમીત બની હતી પરંતુ બીજી ટેસ્ટમાં શુભમન ગિલની અફલાતુન 269 તથા 161 રનની મેચ વિનીંગ શતકીય ઇનિંગ્ઝ ભારતના વિજય માટે મહત્વની બની ગઇ.એ મેચમાં સુકાની ગિલને તેના ઐતિહાસિક પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ બનાવ્યો હતો. તે ઇંગ્લેન્ડમાં બેવડી સદી નોંધાવનાર અને પ્રથમ એશિયન અને ભારતીય સુકાની બન્યો હતો.
શુભમન ગિલે એક બેટધર તરીકે ટીમને મજબુતાઇ અપાવી, અલબત ફિલ્ડીંગની સજાગતા અને ગોલંદાજીમાં નિર્ણાયક ભજવી છે. ગિલે એક ટેસ્ટમાં બેવડી સદી અને સદી ફટકારનાર વિશ્વનો 9મો ખેલાડી બની ગયો છે. સુનિલ ગાવાસ્કર પછી તે આ સિધ્ધિ નોંધાવનાર કુલ બીજો ભારતીય બની ગયો છે.
ગાવસ્કરે 1971માં વિન્ડીઝ વિરૂધ્ધ પ્રથમ દાવમાં 124 અને બીજા દાવમાં 220 રન બનાવ્યા હતા. એવામાં ગિલ 54 વર્ષનાં લાંબાગાળા બાદ આવી સિધ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો છે. ગિલના મતે ટીમના બધા ખેલાડીઓ પુરા આત્મવિશ્વાસ સાથે રમી રહ્યા છે જે લોર્ડઝમાં ટીમની તરફેણમાં પરિણામ લાવશે. હવે જયારે આવતીકાલથી લોર્ડઝમાં ત્રીજો ટેસ્ટ રમાશે ત્યારે શુભમન ગિલનો લક્ષ્યાંક જીત તરફી જ રહેશે તેમાં બેમત નથી. ભારતીય ટોપ-ફાઇવ બેટધરો સંપૂર્ણપણે કમાન્ડમાં છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાની નિર્ણાયક બેટીંગ ટીમને મજબુતાઇ કરવામાં નિર્ણાયક બની રહી છે. બીજા ટેસ્ટમાં આકાશદીપના ઘાતક ગોલંદાજી ઇંગ્લીશ બેટધરો માટે મુશ્કેલ સર્જી રહી છે. ઉપરાંત લોર્ડઝમાં બુમરાહની એન્ટ્રી ગોલંદાજી ક્ષેત્રને વધુ મજબુત બનાવશે સિરાઝ, બુમરાહ અને આકાશદીપની ત્રેવડી જોડી ટીમને ચોકકસ વિજય અપાવવા કમર કસશે તેમાં બેમત નથી. લોર્ડઝના મેદાન પર અત્યાર સુધી કુલ 19 ટેસ્ટ મેચો રમાઇ છે, જેમાંથી ભારતે પણ 3 ટેસ્ટ જીતી છે, જયારે ઇંગ્લેન્ડે 12 ટેસ્ટમાં વિજય પ્રાપ્ત કર્યો છે. 4 ટેસ્ટ ડ્રો થઇ છે. ભારતે કપિલદેવ, વિરાટ કોહલી અને ધોનીના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત કર્યા છે. ભારતે 1986માં 5 વિકેટે 2014માં 95 રને અને 2021માં 151 રને વિજય પ્રાપ્ત કર્યા છે. આ મેદાન પર જો રૂટે 22 ટેસ્ટમાં 2022 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 200 રનનો રહ્યો છે, અહીં તેણે સૌથી વધુ 5 સદીઓ નોંધાવી છે. જયારે ઇંગ્લેન્ડનાં નિવૃત થયેલા એન્ડરસને લોર્ડઝમાં 29 ટેસ્ટમાં કુલ 123 વિકેટો ઝડપી છે.ટુંકમાં ભારતે લોર્ડઝ ટેસ્ટ જીતીને શ્રેણી પર મજબુત પકકડ મેળવવાની છે ખેલાડીઓએ ઓવર કોન્ફીડન્સમાં રહેવા જેવું નથી. ભારતમાં બેટધરોમાં યશસ્વી જયસ્વાલ, ગિલ, રાહુલ અને પંત તો જબરદસ્ત ફોર્મમાં છે.