નવા ચહેરાઓમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ઉદ્યોગપતિ રીવાબા જાડેજાનો સમાવેશ થાય છે, જેઓ જામનગર ઉત્તરથી 50,000 કરતા વધુ મતોથી જીત્યા છે. રીવાબા જાડેજા ઉપરાંત અન્ય બે બિઝનેસ વુમન રીટા પટેલ અને માલતી મહેશ્વરી પણ વિધાનસભામાં પહોંચી છે.
ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. ભાજપે 182 વિધાનસભા સીટોમાંથી 156 સીટો જીતીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો કોંગ્રેસના ખાતામાં માત્ર 17 સીટો જ આવી છે, જ્યારે આમ આદમી પાર્ટીને પાંચ અને અન્યને ચાર બેઠકો મળી છે. આ વખતે 15મી વિધાનસભામાં કેટલાક ફેરફારો જોવા મળશે. આ વખતે 105 નવા ચહેરા વિધાનસભામાં પહોંચ્યા છે. જેમાં 14 મહિલા ધારાસભ્યો છે, જ્યારે એક મુસ્લિમ ધારાસભ્ય છે. તો 77 વર્તમાન ધારાસભ્યો ફરીથી ચૂંટાયા છે.
- Advertisement -
દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત્યા
નવી વિધાનસભામાં ત્રણ પ્રેક્ટિસિંગ ડોક્ટર પણ હશે, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ પણ સામેલ છે. દર્શિતાબેન શાહ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત્યા છે. આ બેઠક પરથી 2017ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જીત્યા હતા. અન્ય ડોક્ટરોમાં ડો. દર્શના દેશમુખ અને પાયલ કુકરાણી પણ સામેલ છે, જેઓ ભાજપની ટિકિટ પર નાંદોદ બેઠક પર અને નરોડા બેઠક પરથી જીત્યા છે.
કોંગ્રેસમાંથી માત્ર એક મહિલા ધારાસભ્યને મળી છે જીત
આ ઉપરાંત દર્શનાબેન વાઘેલા અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે. દર્શનાબેન વાઘેલા એક ગૃહિણી છે. બીજી તરફ ભાવનગર-પૂર્વથી જીતેલા સેજલ પંડ્યા કોચિંગ ચલાવે છે. ભાજપના 13 મહિલા ધારાસભ્યોમાંથી પાંચ મહિલા ધારાસભ્યો સીટીંગ ધારાસભ્ય છે. કોંગ્રેસના એકમાત્ર મહિલા પ્રતિનિધિ ગેનીબેન ઠાકોર છે, જેઓ વાવના વર્તમાન ધારાસભ્ય છે. આપને જણાવી દઈએ કે, 14મી વિધાનસભામાં 13 મહિલા ધારાસભ્યો હતા, જ્યારે 13મી વિધાનસભામાં રેકોર્ડ 17 મહિલા ધારાસભ્યો હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પણ જીત્યા ચૂંટણી
નવા ચહેરાઓમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની અને બિઝનેસવુમન રીવાબા જાડેજાનો સમાવેશ થાય છે, જેઓ જામનગર ઉત્તરથી 50,000થી વધુ મતોથી જીત્યા હતા. રીવાબા જાડેજા ઉપરાંત અન્ય બે બિઝનેસ વુમન રીટાબેન પટેલ અને માલતીબેન મહેશ્વરી પણ વિધાનસભામાં પહોંચી છે. રીટાબેન પટેલ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટાયા છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે તેઓ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પણ છે. બીજી તરફ ગાંધીધામ બેઠક પરથી જીતેલા માલતીબેન મહેશ્વરી લોજિસ્ટિક્સનો વ્યવસાય કરે છે.
- Advertisement -
ભાજપના આ 2 ધારાસભ્યો સૌથી અમીર
નવી વિધાનસભામાં ઈમરાન ખેડાવાલા એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય હશે. ઈમરાન કોંગ્રેસની ટિકિટ પર 13,600 મતોથી ચૂંટણી જીત્યા છે. નવી વિધાનસભામાં બે સૌથી ધનિક ધારાસભ્યો ભાજપના જ છે. જેએસ પટેલ માણસાથી ભાજપની ટિકિટ પર જીત્યા છે. તેમની સંપત્તિ 661 કરોડ રૂપિયા છે, જ્યારે પૂર્વ કોંગ્રેસી બળવંત સિંહ રાજપૂત સિદ્ધપુરથી જીત્યા છે. તેમની સંપત્તિ 372 કરોડ રૂપિયા છે.
126 ધારાસભ્યો ફરી ચૂંટણી લડ્યા, માત્ર 77 જ જીત્યા
2022ની ચૂંટણીમાં કુલ 126 ધારાસભ્યોએ ફરીથી ચૂંટણી લડી હતી. મતદારોએ તેમાંથી 77ને ફરીથી ચૂંટ્યા છે, જેમાંથી 84 ટકા ભાજપના છે, જ્યારે 12 ટકા કોંગ્રેસના છે. અન્યમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સમાવેશ થાય છે, જેઓએ અપક્ષ ચૂંટણી લડી હતી અને બાયડ બેઠક જીતી હતી. જ્યારે કાંધલ જાડેજા કુતિયાણાથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા.