અર્થામૃત
આથી તું નિરંતર આસક્તિ રહિત થઈને તારા કર્તવ્યને હંમેશા સારી રીતે કરતો રહે. કારણ કે આસક્તિ રહિત કર્મ કરનાર મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરે છે.
- Advertisement -
કથામૃત : 1892ના વર્ષની આ વાત છે. અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આર્થિક દૃષ્ટિએ નબળા એવા બે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની ફી ભરી શકાય તે માટે અમેરિકાના પ્રખ્યાત પિયાનોવાદક ઇગ્નસી પેડરવ્સ્કીની મ્યૂઝિકલ ઇવેન્ટનું આયોજન કર્યું. એ વખતે પેડરવ્સ્કીના પ્રોગામની ફી 2000 ડોલર નક્કી થયેલી હતી. બંને વિદ્યાર્થીઓને પૂરો ભરોસો હતો કે, તેઓને આ પ્રોગ્રામથી ખૂબ મોટી રકમ મળશે; જેમાંથી પેડરવસ્કીની ફી આપ્યા બાદ પણ એટલી મોટી રકમ વધશે કે બંને મિત્રો બહુ આસાનીથી પોતાના અભ્યાસ માટે રકમ બચાવી શકશે. ગરીબનું નસીબ પણ ગરીબ જ હોય છે. બંને વિદ્યાર્થીઓને માંડ 1600 ડોલર મળ્યા. બંને મૂંઝાતા મૂંઝાતા પેડરવસ્કી પાસે ગયા અને કહ્યું, અમારે તમને 2000 ડોલર આપવાના હતા પણ માફ કરજો અમે માત્ર 1600 ડોલર જ એકત્ર કરી શક્યા. હવે અમે ભણવાનું છોડી દઈશું અને કમાણી કરીને તમારા 400 ડોલર આપી દઈશું. ઇગ્નસી પેડરવસ્કીએ આ વાત સાંભળી એટલે એમણે પેલા 1600 ડોલર પણ બંને છોકરાઓને પાછા આપ્યા અને કહ્યું, તમે ભણવાનું ચાલુ રાખો મારે તમારી કોઈ ફી જોઈતી નથી. બંને વિદ્યાર્થીઓએ પેડરવસ્કીનો ખૂબ આભાર માન્યો. વર્ષો પછી પ્રખ્યાત પિયાનોવાદક શ્રી ઇગ્નસી પેડરવસ્કી પોલેન્ડના વડાપ્રધાન બન્યા. 1919માં પ્રથમ વિશ્ચયુદ્ધ પૂરું થયા બાદ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ પોલેન્ડની હતી. પોલેન્ડની પ્રજા અનાજ વગર ભૂખમરાના ભરડામાં ફસાયેલી હતી. પોતાની પ્રજાને બચાવવા વડાપ્રધાને વિશ્વના જુદા જુદા દેશો પાસે મદદ માટે દરખાસ્તો કરી પણ વિશ્વના બીજા દેશોની સ્થિતિ પણ સારી નહોતી. માટે, કોઈ જગ્યાએથી મદદ ન મળી. અંતિમ ઉપાય તરિકે પેડરવસ્કીએ અમેરિકન ફુડ ઓર્ગેનાઇઝેશનને મદદ આપવા દરખાસ્ત કરી. એ સમયે અમેરિકન ફુડ ઓર્ગેનાઇઝેશનના વડા તરીકે હર્બટ હુવર ફરજ બજાવતા હતા (જે પાછળથી 1928-1933 દરમિયાન અમેરિકાના પ્રમુખ પણ બન્યા હતા). હર્બટ હુવરે પોલેન્ડને કલ્પના બહારની મદદ કરી અને પોલેન્ડને બચાવી લીધું. પોલેન્ડના વડાપ્રધાન ઇગ્નસી પેડરવસ્કી જ્યારે આભાર માનવા માટે અમેરિકા જઈને હર્બટ હુવરને રૂબરૂ મળ્યા ત્યારે હર્બટ હુવરે કહ્યું, મિ. પ્રાઇમ મિનિસ્ટર, તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી. 1892ની સાલમાં મુશ્કેલીમાં આવેલા સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓને મદદ કરીને તમે જેનો અભ્યાસ ચાલુ રખાવ્યો હતો; તે બે વિદ્યાર્થી પૈકીનો એક હું પોતે જ છું.
બોધામૃત
કોઈપણ જાતની અપેક્ષા વગર કોઈને કરેલી મદદ પેલા બૂમરેંગની જેમ હંમેશાં આપણી તરફ પરત ફરતી હોય છે. લેવાની તો બહુ મજા આવે. ક્યારેક આપવાની મજા પણ લેવા જેવી છે. ભગવાને આપેલા વચન પ્રમાણે જે આપે છે, એ ક્યારેય ગુમાવતો નથી; કોઈને કોઈ સ્વરૂપે આપેલું વ્યાજ સાથે પરત મેળવે છે.
- Advertisement -
અનુભવામૃત
નિષ્કામ કર્મ ઈશ્વરને ઋણી બનાવે છે અને ઈશ્વર તેને વ્યાજ સહિત પાછું વાળવા અધીરો બની જાય છે.
-સ્વામી રામતીર્થ