શાળા પ્રવેશોત્સવ બાદ ત્રણ મહિના સુધી સંગઠન પર્વની થશે ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.26
- Advertisement -
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો તોળાઈ રહ્યાની અટકળો વચ્ચે ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આગામી દિવાળી સુધી ભાજપ સરકાર કે સંગઠનમાં કોઈ ફેરફાર નહીં કરવા ભાજપ હાઈકમાન્ડે નિર્ણય લીધો છે. સરકાર અને સંગઠનમાં દિવાળી બાદ જ ફેરફાર અંગે કોઈ નિર્ણયો લેવામાં આવનાર છે. કેન્દ્રીયમંત્રી બનેલા સી.આર. પાટીલને પણ ભાજપના અધ્યક્ષપદે દિવાળી સુધી યથાવત જ રાખવા નિર્ણય લેવાયાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં લોકશભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન સાથે કરેલી મુલાકાત બાદ ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનમાં ફેરફારો તોડાઈ રહ્યાની અટકળો વહેતી થઈ હતી. પરંતુ હાલ મળી રહેલા અહેવાલો મુજબ હાલની સ્થિતિ જોતા ભાજપ હાઈકમાન્ડ ભાજપ સરકાર કે સંગઠનમાં ફેરફાર કરવાના મુડમાં નથી. હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં થયેલા નબળા દેખાવને ભૂલી સંગઠન અને અન્ય બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવાયું છે.
રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે અને ત્રણ દિવસ આખુ મંત્રીમંડળ સહિતની સરકાર શાળા પ્રવેશોત્સવમાં વ્યસ્ત બની ગઈ છે અને આગામી જૂલાઈ માસથી સતત ત્રણ મહિના સુધી ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય, હાલના તબક્કે સરકાર કે, સંગઠનમાં ફેરફાર કરવામાં આવે તો સંગઠન પર્વની ઉજવણી ડિસ્ટર્બ થઈ શકે છે. તેમજ હજી અન્ય ચૂંટણીઓને વાર હોવાથી સરકાર અને સંગઠનમાં ફેરફાર કરવામાં કોઈ ઉતાવળ ભાજપ હાઈ કમાન્ડ કરવા માગતું ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભાજપના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ લોકસભાની ચૂટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો જીતી શકાઈ નથી અને પાંચ લાખથી વધુ મતે તમામ બેઠકો જીતવાનો દાવો પણ નિષ્ફળ ગયો છે. ત્યારે સંગઠનમાં કેટલાક સ્થળે આંતરીક વીખવાદ સપાટી પર આવી રહ્યો છે. અમુક મોટાગજાના નેતાઓએ પણ ભાજપમાં અસંતોષની તલવારો તાણતા ભાજપ હાઈકમાન્ડ ચિંતામાં મુકાયું છે. અને હાલ સરકાર કે, સંગઠનમાં ફેરફાર કરે તો આંતરીક સંતોષ વધુ ભડકવાની દહેશતના પગલે સરકાર કે, સંગઠનમાં ફેરફાર કરવાના નિર્ણયને હાવ બ્રેક મારી દેવામાં આવી છે.
- Advertisement -
ભાજપ હાઈકમાન્ડના આ નિર્ણયથી સરકાર અને સંગઠનમાં હોદ્દાઓની રાહ જોઈને બેઠેલા નેતાઓમાં નિરાશાની લાગણી ફરીવળી છે. સુત્રોનું કહેવું છે કે, સંગઠનમાં નીચેથી ઉપર સુધી મોટાપાયે ફેરફારો કરવામાં આવશે. પરંતુ સરકારમાં કોઈ મોટા ફેરફારો કરવાના મુડમાં ભાજપ હાઈકમાન્ડ દેખાતુ નથી. હાલના મંત્રી મંડળને યથાવત રાખી અમુક પ્રધાનો ઉમેરવા તેમજ અમુક નબળી કામગીરી કરતા પ્રધાનોને છુટા કરી તેના સ્થાને નવાને તક આપવા સિવાય આખા પ્રધાન મંડળને ઘરભેગુ કરવામાં આવે તેવી શક્યતા ખુબ ઓછી છે.
હાલ પાટીલ જ પ્રદેશ પ્રમુખ
ગુજરાતમાં ધારાસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકની ઐતિહાસિક બહુમતી અપાવનાર અને લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક ઉપરથી રેકોર્ડબ્રેક લીડથી ચૂંટાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળતા ભાજપમાં તેના સ્થાને કોઈ નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક કરવામાં આવનાર છે. પરંતુ હાલ ભાજપ હાઈકમાન્ડે આગામી દિવાળી સુધી સી.આર.પાટીલને જ ભાજપના પ્રદેશ પ્રમુખ પદે ચાલુ રાખવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યુ છે. પાટીલના નેતૃત્વમાં જ આગામી ત્રણ માસ સુધી સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવશે.