રાજકોટ મીડિયા કલબ દ્વારા મીડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન
- રેસકોર્સનાં આંતરરાષ્ટ્રીય મેદાન પર સિઝન બોલથી રમાશે મેચ: પૂર્ણત: ઇન્ટરનેશનલ નિયમો સાથે ખેલાશે જંગ
- પત્રકારો, મીડિયાકર્મીઓ માટે ફરી આવ્યો ઉત્સાહનો અવસર, અનેક મહાનુભાવોના સહયોગથી ટૂર્નામેન્ટ યોજાશે
- મીડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે ક્ધિનર આચાર્ય, પરેશ ડોડિયા, તુષાર રાચ્છ, ભાવેશ લશ્કરી, કમલેશ ગુપ્તા, અનિરૂદ્ધ નકુમ, હુસૈન ભારમલ સહિત 11 લોકોની ટીમ જહેમત ઉઠાવશે
ખાસ-ખબર સંવાદદાતા
દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 માર્ચથી મીડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે. આ તકે સૌપ્રથમ તો દર વર્ષે અમને સહયોગ આપવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર. આ ટૂર્નામેન્ટમાં 12થી 16 ટીમો ભાગ લેતી હોય છે,જેમાં શહેરના લગભગ તમામ સવારના અને સાંજના અખબારોની ટીમ તો હોય જ છે, એ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા, રેસ્ટ ઓફ પ્રેસ (જેમાં મેગેઝિન્સ તથા અંગ્રેજી છાપાંઓનો બ્યુરો સ્ટાફ તેમ જ એફ. એમ. રેડિયોના છઉં વગેરે સામેલ હોય છે) જેવી ટીમો પણ હોંશેહોંશે ભાગ લેતી હોય છે. સેમી ફાઇનલ તથા ફાઇનલ મેચો રાત્રી પ્રકાશમાં રમાતી હોય છે અને શહેરભરના અનેક મહાનુભાવોએ તેનો આનંદ ઉઠાવે છે. રાજકોટની અનેક સેલિબ્રિટીઝ તેમાં ઉપસ્થિત રહીને ઉત્સાહ વધારે છે. આ મીડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટ માત્ર ગમ્મત ખાતર નથી હોતી. બધી જ ટીમના પ્લેયર્સ દોઢ-બે મહિના સખ્ત પ્રેક્ટિસ કરે છે. બધા જ ગંભીરતાથી રમે છે. આ ટૂર્નામેન્ટ પૂર્ણત: આંતરરાષ્ટ્રીય નિયમોથી રમાય છે. રાજકોટના ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી આ ટૂર્નામેન્ટમાં સીઝન બોલનો જ ઉપયોગ થાય છે, સ્ટેટ પેનલના અમ્પાયર્સ, સ્ટેટ પેનલના સ્કોરર્સની સેવાઓ લેવામાં આવે છે. બે ઇનિંગ વચ્ચેના બ્રેકમાં ચા-નાસ્તો અપાય છે. સારા ઈનામો આપવામાં આવે છે. ફાઈનલ મેચ પછી એક જમણવારનું આયોજન હોય છે જેમાં ઉપસ્થિત મહેમાનો ઉપરાંત દરેક ટીમના લોકો અને મીડિયાના અન્ય અનેક મોભીઓ હાજરી આપે છે. કુલ લગભગ 48 મેચ રમાતી હોય છે. આ ટૂર્નામેન્ટ ભૂતકાળમાં અનેક વખત યોજાઈ છે પરંતુ કોઈને કોઈ કારણોસર નિયમિત થતી નહોતી. છેવટે વિવિધ મીડિયા ગ્રુપમાંથી 11 લોકોની એક કમિટી બનાવી છેલ્લા 10 વર્ષથી આ ટૂર્નામેન્ટ નિયમિત યોજવા નિર્ધાર કર્યો છે. કારણ કે, સતત સ્ટ્રેસ નીચે કામ કરતા મીડિયાકર્મીઓ માટે આ આયોજન કોઈ તહેવારથી કમ નથી. સૌ ઉત્સાહભેર ભાગ લે છે અને ખેલભાવનાથી રમે છે.
ટૂર્નામેન્ટના આયોજન માટે કમિટીની રચના
છેલ્લા છએક વર્ષથી મીડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન નિયમિતરૂપે થાય છે. આ સમિતિનાં સભ્યો રાત-દિવસ એક કરીને ટૂર્નામેન્ટને સફળતાપૂર્વક પાર પાડે છે. કમિટીમાં પરેશ ડોડિયા, ક્ધિનર આચાર્ય, તુષાર રાચ્છ, ભાવેશ લશ્કરી, કમલેશ ગુપ્તા, અનિરૂદ્ધ નકુમ, હુસૈન ભારમલ સહિત 11 લોકોની ટીમ ટૂર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે. આ ઉપરાંત પણ અનેક મીડિયાકર્મીઓ, તંત્રીઓ અને અન્ય સ્ટાફનો સતત સહકાર મળતો રહે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટૂર્નામેન્ટમાં લાખેણાં ઈનામોની વણઝાર કરવામાં આવશે.