શેઠએ કહ્યું તેમ યુવતીએ ટાઈપિંગ કર્યું: તેમાં તેનો શો વાંક?
મધરાત્રે યુવતીને ઉઠાવી જવાનું પગલું કાયદા વિરૂદ્ધ હોવાની ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરૂદ્ધ ભાજપના જ નેતાઓએ લખેલા બોગસ પત્રકાંડમાં ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી પાટીદાર યુવતીનું પણ રીઢા ગુનેગારોની માફક સરઘસ કાઢવાનો મુદ્દો હવે સળગ્યો છે. સમગ્ર મામલામાં પાટીદાર મહિલા સાથે કરાયેલું વર્તન તદ્દન સ્વીકાર્ય નથી જેથી ચોમેરથી ભરપૂર ટિકાઓ થઈ રહી છે. એવું ચર્ચાઈ છે કે, અમરેલી લેટરકાંડમા ઓપરેટર તરીકે કામ કરનાર પટેલ સમાજની દીકરીની સંડોવણી ખુલતા આ કુંવારી દીકરીને રાત્રે 12 વાગ્યે પોલીસે ઘરેથી ધરપકડ કરી મુખ્ય રસ્તા પર સરઘસ સ્વરૂપે ફેરવી હતી. જિલ્લામાં અન્ય ગુનેગારોના પોલીસ ક્યારેય સરઘસ કાઢતી નથી. મહિલા આરોપીના ફોટા પણ વાયરલ કરતી નથી. આ સમયે મહિલા આરોપીનું બિનઅધિકૃત રીતે સરઘસ કઢાવનાર અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ.
પટેલ સમાજની આ દીકરી પોતાના માલિકના કહેવા મુજબ ટાઇપ કરતી હતી અને પોતે પોતાના માલિકે કહ્યું તે મુજબ લેટર ટાઇપ કરી આપ્યો હતો. આ મામલો અમરેલીના રાજકારણમાં આંતરિક ટાંટીયા ખેંચનો હોવા છતા ઓફિસમાં નોકરી કરતી સામાન્ય પરિવારની દીકરીને પણ જાહેરમાં અપમાનિત કરવામાં આવતા અનેક સવાલો ઉઠયા છે. જો આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સક્ષમ પગલાં ન ભરાઈ તો નવાઈ કહેવાશે.
- Advertisement -
અમારી દીકરીએ તો માલિકે કહ્યું એવું ટાઈપ કરી આપ્યું: યુવતીના પરિવારજન
નકલી લેટરકાંડમાં ઝડપાયેલા ચારેય આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું, જેમાં એક 28 વર્ષીય યુવતી પાયલબેન ગોટી પણ સામેલ હતી. એને લઈને રાજકારણ ગરમ થઈ ગયું છે. ભાજપે અહમ સંતોષવા એક દીકરીનું અડધી રાત્રે સરઘષ કાઢ્યાનો આરોપ કોંગ્રેસે મૂક્યો છે. આ અંગે મીડિયાએ પાયલબેન ગોટીના પરિવારનો સંપર્ક કર્યો હતો. પિતા અશ્ર્વિનભાઈ ખૂબ જ ટેન્શનમાં હોવાથી ફોન પર પણ વાત નથી કરી શકતા. મોટા બાપુ સુરેશભાઈ ગોટીએ જણાવ્યું હતું કે અમે અમરેલીથી 6 કિલોમીટર વિઠ્ઠલપુરમાં રહીએ છીએ. અમારી દીકરી રોજ અપડાઉન કરતી હતી. ત્રણ-ચાર વર્ષથી નોકરી કરતી હતી અને 10000થી 11000 પગાર આપતા. આ કેસમાં તો માલિકે કહ્યું એટલું ખાલી તેણે ટાઈપ કરી દીધું હતું. તેને ખોટી રીતે ફસાવી દીધી છે. અમારે રાજકારણ સાથે દૂર-દૂર સુધી કોઈ લાગેવળગે નહીં. મારી દીકરીએ તો માલિકનો ઓર્ડર ફોલો કર્યો હતો અને ફસાઈ ગઈ. તેને ખબર સુધ્ધાં ન હતી અંદર શું છે. આ લોકોએ ગરીબ પરિવારની દીકરીને ફસાવી દીધી છે. અમે અહીં ગામમાં રહીને ખેતી કરીએ છીએ. પાયલને એક નાનો ભાઈ છે. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને કોર્ટ મેટરની રીતે આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ.
પાટીદાર આગેવાનોની બેઠક: યુવતી સામેની ફરિયાદ પાછી ખેંચવા એસ.પી.ને રજૂઆત
આજે અમરેલીમાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયા, મનોજ પનારા અને રમેશ ટીલાળા સહિતના આગેવાનોએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરીયા અને ફરિયાદી કિશોર કાનપરીયા સાથે બેઠક કરી હતી. જેમાં પટેલ સમાજની યુવતી સામેની ફરિયાદ પાછી ખેચવાની ચર્ચાઓ કરાયા બાદ એસ.પી. ઓફિસે રજૂઆત કરાઈ હતી.